16 September, 2026 04:05 PM IST | New York | Gujarati Mid-day Correspondent
ન્યૂયૉર્કમાં ટ્રેનની અડફેટે ભારતીય યુવતી અને નેપાલી યુવકનું મોત
અમેરિકાના ન્યુ યૉર્ક શહેરમાં સબવે ટ્રેનની અડફેટે આવતાં ભારતીય મૂળની યુવતી મલાઇકા ચિત્રે અને નેપાલી મૂળના યુવક નવમ કૌલનું મોત નીપજ્યું છે. રટગર્સ યુનિવર્સિટીના આ બન્ને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રવિવારે લોઅર મૅનહટનના કનૅલ સ્ટ્રીટ સ્ટેશન ખાતે ટ્રૅક પર હતાં ત્યારે એક ટ્રેન તેમને કચડીને જતી રહી હતી. આ ઘટનાનો એક વિડિયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ટ્રેન આવતી વખતે બન્ને ટ્રૅક પર બેઠેલાં જોવા મળે છે.
મેટ્રોપૉલિટન ટ્રાન્સપૉર્ટેશન ઑથોરિટી (MTA)ના રિપોર્ટ મુજબ એ સ્પષ્ટ નથી કે બન્નેમાંથી કોણ પહેલાં ટ્રૅક પર પડ્યું હતું. જોકે એક વ્યક્તિ બીજીને બચાવવા માટે નીચે ઊતરી હોવાની શક્યતા છે. ટ્રેન ઑપરેટરે પોલીસને જણાવ્યું હતું કે તેણે એક યુવક અને યુવતીને ટ્રૅક પર બેઠેલા જોયાં હતાં અને યુવતી હસી રહી હતી તથા યુવકને પોતાની તરફ ખેંચી રહી હતી. પોલીસે નશો અથવા આત્મહત્યા સહિતના વિવિધ અૅન્ગલથી તપાસ શરૂ કરી છે.