17 September, 2026 02:44 PM IST | Saudi Arabia | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કા પર મંગળવારે સાંજે થયેલા ડ્રોન-હુમલાના પ્રયાસ વિશે ભારતે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર ઈરાન સમર્થિત યમનના હુતી બળવાખોરોએ છોડેલા ડ્રોનને મક્કાની સુરક્ષિત અૅરસ્પેસમાં પ્રવેશે એ પહેલાં જ તોડી પાડવામાં આવ્યું હતું. જોકે હુતી બળવાખોરોએ સાઉદી અરેબિયાના આ દાવાને ફગાવતાં કહ્યું છે કે તેમના તરફથી મક્કાને કોઈ ખતરો નથી.
ભારત સાથેના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટને ન્યુ ઝીલૅન્ડની સંસદની મંજૂરી
ન્યુ ઝીલૅન્ડની સંસદે ભારત સાથેના ફ્રી ટ્રેડ અૅગ્રીમેન્ટ (FTA)ના અમલીકરણ માટેના કાયદાને મંજૂરી આપી છે. આ કરાર હેઠળ ભારતમાં નિકાસ થતી ન્યુ ઝીલૅન્ડની લગભગ ૯૫ ટકા વસ્તુઓ પરની ટૅરિફ નાબૂદ કરવામાં આવશે અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવશે. કરાર અમલમાં આવે એ દિવસથી જ એમાં આવરી લેવાયેલી અડધીથી વધુ વસ્તુઓ ટૅરિફમુક્ત થઈ જશે. એપ્રિલમાં હસ્તાક્ષર કરાયેલા આ કરાર બન્ને દેશો દ્વારા એની રેટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ અમલમાં આવશે. ન્યુ ઝીલૅન્ડની સંસદે ૯૩ વિરુદ્ધ ૨૯ મતોથી આ કાયદો પસાર કર્યો હતો. આ કરાર ન્યુ ઝીલૅન્ડમાં તમામ ભારતીય માલસામાન માટે ટૅરિફમુક્ત પ્રવેશની સુવિધા પણ પૂરી પાડે છે અને એમાં ૧૫ વર્ષના સમયગાળા દરમ્યાન ભારતમાં ૨૦ અબજ ન્યુ ઝીલૅન્ડ ડૉલરના રોકાણની યોજનાનો પણ સમાવેશ થાય છે.
સુદાનમાં સોનાની ખાણ ધસી પડી, ૬૭ લોકોનાં મોત
યુદ્ધગ્રસ્ત સુદાનના એક અંતરિયાળ વિસ્તારમાં સોનાની ખાણ ધસી પડવાની ભયાનક દુર્ઘટનામાં આશરે ૬૭ લોકોનાં મોત થયાં છે. આ દુર્ઘટના પશ્ચિમ કોર્ડોફાન પ્રાંતના નુહુદ શહેરમાં આવેલી અલ-ઝરા ખાણમાં સર્જાઈ હતી. આ વિસ્તાર હાલમાં રૅપિડ સપોર્ટ ફોર્સિસ (RSF)ના નિયંત્રણમાં છે, જે છેલ્લાં ત્રણ વર્ષથી સુદાનના લશ્કર સામે લડી રહ્યા છે.
સુદાન ડૉક્ટર્સ નેટવર્કના જણાવ્યા મુજબ કાટમાળમાં હજુ પણ અનેક લોકો ફસાયેલા હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. આ ખાણ ગેરકાયદેસર રીતે ચાલતી હતી અને એમાં સુરક્ષાનાં કોઈ જ પગલાં લેવામાં આવ્યાં નહોતાં.