27 September, 2026 09:40 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent
પૂરની સ્થિતિ
થાઇલૅન્ડની રાજધાની બૅન્ગકૉકમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ભયાનક પૂર આવ્યું હતું. શહેરની ડ્રેનેજ-સિસ્ટમ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે અને રસ્તાઓ જળમગ્ન થયા છે. પૂરની ગંભીરતાને જોતાં બૅન્ગકૉકના તમામ પચાસ જિલ્લામાં કટોકટી જાહેર કરવામાં આવી હતી.
મધ્ય પ્રદેશમાં વિસર્જન બાદ પંડાલમાં વીજ-કરન્ટથી ૪ યુવાનોનાં મોત
મધ્ય પ્રદેશના મંડલા જિલ્લામાં વિસર્જન બાદ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. હીરાપુર ગામમાં શનિવારે વહેલી સવારે પાંચ વાગ્યે ગણેશ પંડાલ પર વીજળીનો વાયર પડતાં ૪ યુવાનોનાં મોત નીપજ્યાં હતાં. વિસર્જન કરીને પરત ફરેલા સાતથી ૮ યુવાનો થાકીને પંડાલમાં સૂઈ રહ્યા હતા ત્યારે આ હૃદયદ્રાવક ઘટના બની હતી.
તેલંગણમાં વિસર્જન દરમ્યાન ૧૩નાં મોત
તેલંગણમાં ગણપતિની મૂર્તિઓના વિસર્જન દરમ્યાન અલગ-અલગ દુર્ઘટનાઓમાં ૧૩ લોકોનાં મોત થયાં છે, આમાં એક પોલીસ સબ-ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે.
નેપાલમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે નદીઓમાં પૂરનું જોખમ ફરી એક વાર વધી ગયું છે. બાગમતી નદીના પાણીના સ્તરમાં વધારો થવાથી એ છલકાઈ રહી હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારોના લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. દેશના અનેક વિસ્તારોમાં ભૂસ્ખલનના કારણે કાઠમાંડુને જોડતા મુખ્ય હાઇવે બંધ થઈ ગયા છે.
બંગલાદેશના બેગુનબારી વિસ્તારમાં એક ડ્રમમાંથી નિરંજન સૂત્રધાર નામના હિન્દુ વેપારીનો મૃતદેહ મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. નિરંજન અથરબારી વિસ્તારમાં ભાગીદારીમાં જ્વેલરીની દુકાન ચલાવતો હતો. પોલીસ-તપાસ મુજબ નિરંજનની હત્યા કરીને, તેની લાશ ડ્રમમાં પૅક કરીને પાણીમાં ફેંકી દેવામાં આવી હતી. તેના માથા અને છાતી પર તીક્ષ્ણ હથિયારનાં નિશાન મળી આવ્યાં છે.