દુબઈ ઍરપોર્ટ પર પ્રવાસીઓને સૂચના : વહેલા નહીં પહોંચતા

21 April, 2024 10:25 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

દુબઈમાં પહેલી વાર એટલો બધો વરસાદ પડ્યો છે કે મૉલ, રોડ, મેટ્રો, ઍરપોર્ટ સર્વત્ર પાણી ભરાઈ ગયાં હતાં

દુબઈ ઍરપોર્ટ

દુબઈમાં આ અઠવાડિયાની શરૂઆતમાં પડેલા જોરદાર વરસાદને કારણે ઍરપોર્ટ પર સંખ્યાબંધ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને હવે જ્યારે થોડી-થોડી ફ્લાઇટનાં ઑપરેશન્સ શરૂ થયાં છે ત્યારે દુબઈ ઍરપોર્ટ ઑથોરિટીએ પ્રવાસીઓને ત્રણ કલાકથી વધુ વહેલા ન આવવાની સૂચના આપી દીધી છે. ઍરપોર્ટ ઑથોરિટીનું કહેવું છે કે પ્રવાસીઓ વહેલા આવવાથી ઍરપોર્ટ પર ભારે ગિરદી થાય છે અને અવ્યવસ્થા સર્જાય છે. એટલે પ્રવાસીએ તેમની ફ્લાઇટનો ટાઇમ ચેક કર્યા બાદ અને ફ્લાઇટનું સ્ટેટસ જાણ્યા બાદ જ ઍરપોર્ટ પર આવવું.

દુબઈમાં પહેલી વાર એટલો બધો વરસાદ પડ્યો છે કે મૉલ, રોડ, મેટ્રો, ઍરપોર્ટ સર્વત્ર પાણી ભરાઈ ગયાં હતાં. આ પ્રદેશમાં વરસાદ પડતો ન હોવાથી ગટર-વ્યવસ્થાનો અભાવ છે અને એના કારણે વરસેલું પાણી વહી જવાને બદલે ભરાયેલું રહે છે. ઍરપોર્ટ પર વિમાની સેવાને સૌથી વધારે અસર પડી હતી, કારણ કે રનવે પર પાણી હતું. પ્રવાસી ટર્મિનલમાં પણ પાણી ભરાઈ જવાને કારણે તમામ સર્વિસને અસર પડી છે. ઍર ઇન્ડિયાએ મંગળવારથી એની ફ્લાઇટ્સ બંધ કરી દીધી છે અને હવે દુબઈ ઍરપોર્ટ પરથી ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ સર્વિસ શરૂ કરશે.

dubai Weather Update international news