29 December, 2025 10:51 AM IST | Canada | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
કૅનેડાના ટૉરોન્ટો શહેરમાં ૩૦ વર્ષની હિમાંશી ખુરાના નામની મહિલાની હત્યા કરવામાં આવ્યા બાદ આ દેશમાં મુશ્કેલીમાં મુકાયેલી ભારતીય મહિલાઓને મદદ કરવા માટે ભારતીય કૉન્સ્યુલેટ જનરલમાં ખાસ ‘વન સ્ટૉપ સેન્ટર ફૉર વિમેન’ (OSCW)ની સ્થાપના કરવામાં આવી છે. આ સેન્ટર ઘરેલુ હિંસા, કૌટુંબિક વિવાદ, શોષણ અને કાનૂની મુશ્કેલીઓ જેવા મુદ્દાઓનો સામનો કરતી ભારતીય પાસપોર્ટધારકોને ખાસ સહાય પૂરી પાડશે. આ સુવિધા ટૉરોન્ટોમાં ભારતના કૉન્સ્યુલેટ જનરલના પરિસરમાંથી કાર્યરત થશે. ટૉરોન્ટોમાં હિમાંશી ખુરાના મૃત હાલતમાં મળી આવ્યાના થોડા સમય પછી આ સેન્ટરનું લૉન્ચિંગ થયું છે. કૅનેડિયન સત્તાવાળાઓએ ૩૨ વર્ષના અબ્દુલ ગફૂરી વિરુદ્ધ હિમાંશીના ફર્સ્ટ-ડિગ્રી મર્ડરના સંબંધે દેશવ્યાપી વૉરન્ટ રજૂ કર્યું છે.
આ સંદર્ભે કૉન્સ્યુલેટે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે ‘આ પહેલનો ઉદ્દેશ સમયસર સહાય સુનિશ્ચિત કરવાનો છે. આ સેન્ટર લાભાર્થીઓને તાત્કાલિક કાઉન્સેલિંગ, કાનૂની સલાહ અને કૅનેડામાં ઉપલબ્ધ સંબંધિત સમુદાય અને સામાજિક સેવાઓની ઍક્સેસ સાથે જોડશે. OSCWનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે, જેથી મદદ માગતા લોકોને સલામત, ગૌરવપૂર્ણ અને વ્યાપક સહાય મળે. એના હેલ્પલાઇન નંબર દ્વારા ૨૪ કલાક તકલીફના કૉલનું સંચાલન, પૅનલમાં સમાવિષ્ટ બિન-સરકારી સંસ્થાઓ દ્વારા ભાવનાત્મક કાઉન્સેલિંગ અને ભારત સરકારની માર્ગદર્શિકા અનુસાર નાણાકીય સહાયનો સમાવેશ થશે.