20 November, 2025 07:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વિશ્વની લગભગ અડધોઅડધ વસ્તી માટે વૉટ્સઍપ હવે રોજિંદા જીવનની જરૂરિયાત બની ગયું છે. લગભગ ૩.૫ અબજથી વધુ લોકો આ ઍપ વાપરે છે. આ તમામ યુઝર્સનો ડેટા જોખમમાં છે કેમ કે એમાં એક મોટી સિક્યૉરિટીની ખામી પકડાઈ છે. આ ખામીને કારણે યુઝર્સનું પ્રોફાઇલ પિક્ચર, સ્ટેટસ અને તે વ્યક્તિ વિશે ‘અબાઉટ’ સેક્શનમાં જે માહિતી અપાય છે એ લીક થઈ શકે છે. ઑસ્ટ્રિયાની વિયેના યુનિવર્સિટીના રિસર્ચરોએ આ ખામી શોધી છે. તેમના કહેવા મુજબ આ ખામીને કારણે કોઈ પણ નંબર ચેક કરીને ખબર પડી જતી હતી કે એ નંબર વાપરનાર વ્યક્તિ વૉટ્સઍપ પર ઍક્ટિવ છે કે નહીં. હાલમાં વૉટ્સઍપની કૉન્ટૅક્ટ ડિસ્કવરી ફીચરમાં પ્રૉબ્લેમ છે. આ ફીચર ફોનની ઍડ્રેસ બુકને સિન્ક કરીને અન્ય કૉન્ટૅક્ટ શોધવાનું આસાન બનાવવા માટે તૈયાર કરાયું હતું, પરંતુ અજાણતાં જ એમાં ખામી રહી ગઈ છે. એને કારણે ટેક્નિકલ ભાષામાં જેને હાર્વેસ્ટિંગ કહેવાય છે એવી ડેટા-ચોરીની બારી ખૂલી ગઈ છે.
કઈ રીતે શોધાઈ ખામી?
રિસર્ચરોએ લૅબફોનજેન નામના ટૂલનો ઉપયોગ કરીને ૨૪૫ દેશોના રિયલિસ્ટિક ફોન-નંબર જનરેટ કર્યા અને પછી વૉટ્સઍપના ચોક્કસ પ્રોટોકૉલથી કનેક્ટ કરીને ક્વેરી મોકલી હતી. અભ્યાસમાં પાંચ અકાઉન્ટથી ૬૩ નંબરને ચેક કરવામાં આવ્યા હતા. એના પરિણામરૂપે ૧૦૦ મિલ્યન પ્રતિ કલાકની સ્પીડે ૩.૫ અબજ ઍક્ટિવ અકાઉન્ટ્સ હોવાની જાણકારી મળી હતી. ૫૬.૭ યુઝર્સનું પ્રોફાઇલ પિક્ચર અને ૨૯.૩ ટકા યુઝર્સે અબાઉટ સેક્શનમાં લખેલી ટેક્સ્ટ પણ સામે આવી ગયાં હતાં. આ ટેક્સ્ટમાં પૉલિટિકલ વ્યુઝ, ધાર્મિક ક્વોટ્સ, અત્યંત અંગત ફીલિંગ્સ અને સોશ્યલ મીડિયા લિન્ક્સ પણ સામેલ હતી.
ભારતના ૭૪.૯ કરોડ લોકોનો ડેટા જોખમમાં
રિસર્ચરોએ અભ્યાસ કરેલા ૩૫૦ કરોડ યુઝર્સમાંથી ૭૪.૯ કરોડ ભારતનાં, ૨૩.૫ કરોડ ઇન્ડોનેશિયાનાં, ૨૦.૭ કરોડ બ્રાઝિલનાં, ૧૩.૮ કરોડ અમેરિકાનાં અને ૧૩.૩ કરોડ રશિયાનાં અકાઉન્ટ્સ સામેલ હતાં.