અમેરિકામાં હાઇવે પર દોડતી કાર પર ઊતર્યું વિમાન, કારના ડ્રાઇવર અને પ્લેનના પાઇલટનો આબાદ બચાવ

11 December, 2025 10:17 AM IST  |  Florida | Gujarati Mid-day Correspondent

વિમાનના એન્જિને પાવર ગુમાવ્યા બાદ એ અનિયંત્રિત થતાં પાઇલટને ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની ફરજ પડી હતી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અમેરિકાના ફ્લૉરિડામાં મેરિટ આઇલૅન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર સોમવારે સાંજે ઇમર્જન્સી લૅન્ડિંગ કરતી વખતે બીચક્રાફ્ટ 55 મૉડલનું એક નાનું વિમાન ટૉયોટા કૅમરી કાર સાથે અથડાયું હતું. વિમાનમાં અચાનક ટેક્નિકલ ખામી ઊભી થતાં પાઇલટને આ પગલું ભરવાની ફરજ પડી હતી. સાંજે ૫.૪૫ વાગ્યે ભારે ટ્રાફિક વચ્ચે થયેલા અકસ્માતમાં કાર ચલાવી રહેલી ૫૭ વર્ષની મહિલાને સામાન્ય ઈજા થઈ હતી, જ્યારે એમાં સવાર બન્ને મુસાફરોને કોઈ ઈજા થઈ નહોતી. વિમાનમાં સવાર ૨૭ વર્ષના પાઇલટ અને તેના સાથીને કોઈ ઈજા થઈ નહોતી, પરંતુ અણધારી ઘટનાથી હાઇવે પર ગભરાટ ફેલાયો હતો અને કલાકો સુધી હાઇવેને બંધ રાખવામાં આવ્યો હતો. વિમાનને હટાવ્યા બાદ હાઇવેને બીજા દિવસે સવારે ખોલવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે વિમાનના એન્જિને પાવર ગુમાવ્યા બાદ એ અનિયંત્રિત થતાં પાઇલટને ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

international news world news florida united states of america plane crash