સોમાલિયાના સમુદ્રમાં વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ, પાઇલટની સમયસૂચકતાથી ૫૦ લોકોના જીવ બચ્યા

12 February, 2026 08:33 AM IST  |  Somalia | Gujarati Mid-day Correspondent

આ અકસ્માતનો એક વિડિયો સામે આવ્યો છે અને એ સોશ્યલ મીડિયામાં ઝડપથી વાઇરલ થયો છે.

વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ

સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં દરિયાકાંઠે પાઇલટની સમયસૂચકતાને કારણે એક મોટી વિમાનદુર્ઘટના ટળી ગઈ હતી. અડેન અબ્દુલે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટથી ટેકઑફ કર્યાની થોડી મિનિટો બાદ એક પૅસેન્જર વિમાનમાં ટે​ક્નિકલ ખામી સર્જાતાં પાઇલટને ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની ફરજ પડી હતી. વિમાનમાં આશરે ૫૦ મુસાફરો અને પાંચ ક્રૂ સભ્યો સવાર હતા. તેમને ઇમર્જન્સી લૅન્ડિંગ પછી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી.

આ અકસ્માતનો એક વિડિયો સામે આવ્યો છે અને એ સોશ્યલ મીડિયામાં ઝડપથી વાઇરલ થયો છે. આ વિમાનમાં ટે​ક્નિકલ સમસ્યાને કારણે વિમાન રનવે પર કાબૂ ગુમાવી બેઠું હતું અને હિન્દ મહાસાગરના છીછરા પાણીમાં લપસી ગયું હતું. સોમાલિયા સિવિલ એવિયેશન ઑથોરિટીના જણાવ્યા અનુસાર સ્ટાર્સ્કી એવિયેશનનું ફોકર-50 વિમાન (રજિસ્ટ્રેશન 6O-YAS) મોગાદિશુથી ગલકાયો જઈ રહ્યું હતું. ટેકઑફ કર્યાના લગભગ ૧૫ મિનિટ પછી પાઇલટે ટે​ક્નિકલ સમસ્યાને કારણે પાછા ફરવાની પરવાનગી માગી હતી, એના પછી ઇમર્જન્સી લૅન્ડિંગ કરવું પડ્યું હતું.

international news world news somalia plane crash social media