અમેરિકામાં જન્મ થાય એટલે અમેરિકન નાગરિકતા આપતા ૧૫૦ વર્ષ જૂના કાયદાને પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે બદલ્યો

22 January, 2025 12:40 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આને કારણે દુનિયાભરના અપ્રવાસી અમેરિકનોને એનો ફટકો પડવાનો છે અને ખાસ કરીને ભારતીયોને પણ આ કાયદાથી મુશ્કેલી ઊભી થવાની છે.

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના નવા પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે સત્તાનાં સૂત્રો હાથમાં લીધાના એક કલાકમાં એક પછી એક એક્ઝિક્યુટિવ આદેશો પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં તેમણે અમેરિકામાં જન્મ લેતાં બાળકોને આપવામાં આવતી અમેરિકાની નાગરિકતાનો ૧૫૦ વર્ષ જૂનો કાયદો પણ બદલી નાખ્યો છે. આને કારણે દુનિયાભરના અપ્રવાસી અમેરિકનોને એનો ફટકો પડવાનો છે અને ખાસ કરીને ભારતીયોને પણ આ કાયદાથી મુશ્કેલી ઊભી થવાની છે.

બર્થરાઇટ સિટિઝનશિપ કાયદો શું છે?

અમેરિકાના બંધારણમાં થયેલા ૧૪મા સુધારા મુજબ અમેરિકામાં જન્મ લેતાં તમામ બાળકોને અમેરિકાનું નાગરિકત્વ મળે છે, તેમનાં માતા-પિતા અમેરિકન હોય કે ન હોય તો પણ બાળક અમેરિકન નાગરિક ગણાય છે. આ કાયદો ૧૮૬૮માં લાગુ થયો હતો અને એનો ઉદ્દેશ અગાઉના ગુલામો અને તેમના પરિવારોને બરાબરીનો અધિકાર આપવાનો હતો.

શું છે ટ્રમ્પનો નવો આદેશ?

૨૦ જાન્યુઆરીએ ડોનલ્ડ ટ્રમ્પે જે એક્ઝિક્યુટિવ ઑર્ડર પર સહી કરી છે એમાં અમેરિકામાં જન્મ થતાં અમેરિકાની નાગરિકતા આપતો કાયદો રદ કરવામાં આવ્યો છે. એમાં જણાવવામાં આવ્યું છે કે અમેરિકામાં જન્મેલાં બાળકોને ત્યાં સુધી અમેરિકાની નાગરિકતા નહીં આપવામાં આવે જ્યાં સુધી તેમનાં માતા-પિતામાંથી એક અમેરિકન નાગરિક, ગ્રીન કાર્ડધારક અથવા અમેરિકન સેનાનો સભ્ય ન હોય. ટ્રમ્પનો એ તર્ક છે કે આ પગલું ગેરકાયદે પ્રવાસીઓ અને બર્થ-ટૂરિઝમને રોકવા માટે જરૂરી છે.

ભારતીય સમાજને કેવી અસર પડશે?

અમેરિકામાં ભારતીય લોકોની સંખ્યા ૪૮ લાખ છે અને જન્મથી મળતા નાગરિકતાના અધિકારથી ઘણા લોકોને અમેરિકાની સિટિઝનશિપ મળી છે. આ નવા કાયદાથી જે ભારતીયો વર્ક કે H-1B વીઝા પર છે અથવા ગ્રીન કાર્ડ મેળવવાની પ્રોસેસમાં છે તેમને મોટો ફટકો પડશે. જેઓ હાલમાં અમેરિકામાં કામ કરે છે, પણ તેમની પાસે ભારતીય પાસપોર્ટ છે તેમને પણ અસર પડશે, તેમનાં અમેરિકામાં જન્મતાં બાળકોને સહેલાઈથી અમેરિકાની નાગરિકતા નહીં મળે. તેમને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. આ બદલાવ એ પરિવારો માટે પણ પડકારરૂપ રહેશે જે પોતાનાં સંતાનોના ભવિષ્ય માટે અમેરિકાની નાગરિકતા પર આધાર રાખે છે.

ગ્રીન કાર્ડનો ઇન્તેજાર કરનારા લોકોને અસર

અમેરિકામાં રહેતા ઘણા લોકો ગ્રીન કાર્ડ મેળવવાની પ્રોસેસમાં વરસોથી અટકી પડ્યા છે. જન્મથી મળતી નાગરિકતા ખતમ થવાથી તેમનાં બાળકોને કાનૂની રૂપથી અમેરિકાની નાગરિકતા મેળવવામાં પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જે લોકો અસ્થાયી વીઝા પર છે એવા લોકો માટે પરિસ્થિતિ વધારે ગંભીર બની જશે.

ફૅમિલી રીયુનિયનને પણ થશે અસર

અમેરિકામાં ઇમિગ્રેશન સિસ્ટમમાં ફૅમિલી રીયુનિયન એટલે કે પરિવારની સાથે આવવાને પ્રાથમિકતા અપાય છે. હાલના નિયમો અનુસાર અમેરિકન નાગરિક બનેલાં બાળકો ૨૧ વર્ષની ઉંમર બાદ તેમનાં માતા-પિતાને અમેરિકા બોલાવી શકે છે. નવો આદેશ લાગુ થતાં તેમનો આ અધિકાર ખતમ થઈ જશે. આમ આવા પરિવારોના રીયુનિયનને ફટકો પડશે.

ભૂતકાળના કેસનો ચુકાદો જૂના કાયદાની તરફેણમાં

કાનૂની નિષ્ણાતો જણાવે છે કે અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક કેસમાં અમેરિકામાં બાળકના જન્મથી આપવામાં આવતી અમેરિકાની નાગરિકતાના કાયદાને માન્યતા આપી છે. અમેરિકા વિરુદ્ધ વૉન્ગ કિમ આર્ક (૧૮૯૮)ના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે માતા-પિતા અમેરિકન ન હોય તો પણ તેમનું અમેરિકામાં જન્મેલું સંતાન અમેરિકન નાગરિક ગણાશે. ટ્રમ્પના ઑર્ડરની સામે એવી દલીલ આપવામાં આવે છે કે અમેરિકાના બંધારણે આપેલી ગૅરન્ટીને એક એક્ઝિક્યુટિવ આદેશથી બદલી શકાય નહીં. આમ કરવા માટે વિવિધ રાજ્યોમાં બે-તૃતીયાંશ બહુમતીની જરૂર પડશે.

નવા કાયદાને કોર્ટમાં પડકારવામાં આવશે

ડોનલ્ડ ટ્રમ્પે જે ઑર્ડર પાસ કર્યો છે એને સંસદમાં તો પડકારી શકાય એમ નથી, પણ અમેરિકાનાં ઘણાં સિવિલ રાઇટ્સ ગ્રુપોએ એને કોર્ટમાં પડકારવાની તૈયારી કરી લીધી છે. આ ગ્રુપોનું કહેવું છે કે અમેરિકાના બંધારણના ૧૪મા સુધારાને માત્ર એક્ઝિક્યુટિવ ઑર્ડરથી બદલી શકાય નહીં. ટ્રમ્પના આદેશને કોર્ટમાં પડકારવામાં આવશે. કોર્ટ નક્કી કરશે કે ટ્રમ્પે આપેલો આદેશ અમેરિકન બંધારણની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં.

શું છે બર્થ-ટૂરિઝમ?

જે મહિલાની પાસે અમેરિકા જવાના કોઈ પણ પ્રકારના વીઝા હોય અને પાસપોર્ટ બીજા કોઈ પણ દેશનો હોય તો તેઓ બાળકને જન્મ આપવાના સમયે અમેરિકા જતી રહે છે અને અમેરિકામાં જ બાળકોને જન્મ આપે છે. આવા બાળકને અત્યારના કાયદા અનુસાર અમેરિકાની નાગરિકતા મળી જતી હતી એટલે એને બર્થ-ટૂરિઝમના નામે ઓળખવામાં આવે છે. ભારતમાં પણ ઘણા પરિવારો ટૂરિસ્ટ વીઝા પર અમેરિકામાં જઈને બાળકોને જન્મ આપતા હતા, પણ આ નીતિનો તેઓ હવે ખોટો ઉપયોગ નહીં કરી શકે, કારણ કે ટ્રમ્પ સરકારનો ઉદ્દેશ બર્થ-ટૂરિઝમ રોકવાનો છે.

international news world news us elections donald trump united states of america