નેપાલમાં વડા પ્રધાન બાલેન શાહ વિરુદ્ધ લોકોમાં આક્રોશ

23 April, 2026 11:18 AM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

ભારતથી ખરીદવામાં આવતી ૧૦૦ રૂપિયાની ચીજો પર કસ્ટમ્સ-ડ્યુટીના નિયમનો કડક રીતે અમલ થવાથી રોષ : સરહદ પર ચિપ્સ અને બિસ્કિટનાં પૅકેટો પણ જપ્ત

બાલેન શાહ

નેપાલમાં ભારતીય માલ પર કસ્ટમ્સ-ડ્યુટીના નિયમનું કડક રીતે અમલીકરણ કરવામાં આવતાં ઘણા સરહદી વિસ્તારોમાં નવી સરકાર સામે વિરોધ-પ્રદર્શનો ફાટી નીકળ્યાં છે. ૧૦૦ રૂપિયાથી વધુ કિંમતના ભારતીય માલ પર કસ્ટમ્સ-ડ્યુટી લાદવામાં આવી છે. આ નિયમ ૨૦૨૩થી શરૂ થયો છે, પણ નવા વડા પ્રધાન બાલેન્દ્ર શાહની સરકારે એનો કડક અમલ કરવાનો નિર્ણય 
લીધો છે. 

દવા, વાસણો, ઇલેક્ટ્રૉનિક્સ અને લગ્નની વસ્તુઓ ખરીદવા માટે નેપાલીઓ ભારતીય સરહદી વિસ્તારોમાં મુસાફરી કરે છે અને તેમને ભારે ફટકો પડ્યો છે. સરહદ ક્રૉસિંગ પર કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચિપ્સ અને બિસ્કિટનાં પૅકેટો પણ જપ્ત કરવામાં આવી રહ્યાં છે. ભારતીય માલ નેપાલીઓ માટે તેમના પોતાના દેશમાં ઉપલબ્ધ માલ કરતાં ઘણી વાર સસ્તો હોય છે. 
ભારત-નેપાલ સરહદ પર કડક ચેકિંગ કરવામાં આવે છે અને આ સરહદે રોજ હજારો લોકોની અવરજવર હોવાથી કલાકો સુધી નેપાલીઓએ લાઇનોમાં ઊભા રહેવાનો વારો આવે છે.

મર્યાદા વધારો

નેપાલીઓએ માગણી કરી છે કે ૨૦૨૩માં આ નિયમ બન્યો હતો અને હવે ૧૦૦ રૂપિયામાં કેટલી વસ્તુઓ આવે છે. આ નિયમમાં હવે કમસે કમ ૧૦૦૦ રૂપિયાની લિમિટ રાખવી જોઈએ જેથી ગરીબ લોકોને એનો ફાયદો થઈ શકે.

બધું ભારતથી આવે

નેપાલમાં મળતી ચીજવસ્તુઓ કરતાં ભારતમાં માલ સસ્તો હોવાથી જન્મથી લઈને મૃત્યુ સુધીના રીતરિવાજો માટેનો સામાન ભારતથી જ લોકો લાવે છે. હવે નાકાબંધીને કારણે લોકોની હાલાકી વધી છે.

નેપાલના ગૃહપ્રધાને આપ્યું રાજીનામું

નેપાળના ગૃહપ્રધાન સુદન ગુરુંગે ગઈ કાલે રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમની સંપત્તિની બાબતે કેટલાક સવાલ ઉઠાવવામાં આવતાં તેમણે આ પગલું ભર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હું નૈતિક જવાબદારી લઉં છું અને જણાવું છું કે આખરે મારી નાણાકીય હોલ્ડિંગ્સ શું-શું છે એની તપાસ થવી જોઈએ. ગૃહપ્રધાને એક ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે ‘મેં લોકોની ટીકા બાદ આ નિર્ણય લીધો છે. સાર્વજનિક જીવનમાં એક મર્યાદા બની રહેવી જોઈએ. મારી સંપત્તિ વિશે સવાલ ઉઠાવવામાં આવ્યા છે. આ વાત મેં ગંભીરતાથી લીધી છે. સત્તામાં રહેવા કરતાં લોકોનો મારા પર ભરોસો બની રહે એ વધારે મહત્ત્વનું છે. મારા રાજીનામાથી મારા પર ઊઠતા સવાલ બંધ થશે અને હિતોનો ટકરાવ અટકશે. આનાથી ટ્રાન્સપરન્સી પણ આવશે.’

international news world news nepal