✕

હાઈ સ્કૂલોના ખરાબ મૅનેજમેન્ટ સામે ફ્રાન્સમાં શરૂ થયેલા વિરોધે ધારણ કર્યું હિંસક સ્વરૂપ

07 October, 2026 02:58 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

વિરોધ-પ્રદર્શન કરતા સ્ટુડન્ટ્સને વિખેરવા પોલીસે ગ્રેનેડ ફોડતાં એક સ્ટુડન્ટનો હાથ કપાઈ ગયો, ૭૮ ટીચર્સ અને ૧૯૦ સ્ટુડન્ટ્સ ઘાયલ, ૫૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સની અટકાયત

ગઈ કાલે પૅરિસમાં વિરોધ-પ્રદર્શનમાં જોડાયેલા લોકો.

ફ્રાન્સની રાજધાની પૅરિસમાં લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં શરૂ થયેલો હાઈ સ્કૂલના સ્ટુડન્ટ્સનો વિરોધ હવે આખા દેશમાં ફાટી નીકળ્યો છે. ફ્રાન્સની ૩૭૦૦થી વધુ હાઈ સ્કૂલોમાં ખરાબ વ્યવસ્થા, ટીચર્સની ગેરહાજરી, ઓવરલોડેડ ટાઇમટેબલ અને ક્લાસરૂમ અને સ્કૂલોના બિલ્ડિંગની ખખડધજ હાલત માટે ચાલી રહેલા સ્ટુડન્ટ્સના વિરોધ-પ્રદર્શને ગઈ કાલે હિંસક સ્વરૂપ પકડી લીધું હતું. 

ફ્રાન્સની ૪૦૦થી ૫૦૦ સ્કૂલોને આંશિક અથવા તો સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારી થઈ રહી છે. પહેલાં મધ્યમ વર્ગીય વિસ્તારોની સ્કૂલોમાં વિરોધ શરૂ થયો હતો જે દેશવ્યાપી થઈ ગયો હતો અને ગઈ કાલે ૧૨૦૦થી વધુ સ્કૂલોના સ્ટુડન્ટ્સે રસ્તા પર આવીને ચક્કાજામ કર્યા હતા. પૅરિસની કેટલીક સ્કૂલોની બહાર પથ્થરમારો કરીને દરવાજા પાસે આગ લગાવવાની કોશિશ થતાં પોલીસે ટીઅર-ગૅસ છોડ્યા હતા અને રબર-બુલેટ્સથી ભીડને વિખેરવાની કોશિશ કરી હતી. દેશભરમાંથી પોલીસે ૫૦૦૦થી વધુ સ્ટુડન્ટ્સની અટકાયત કરી હતી. 

ભીડને કાબૂમાં લેવાના પોલીસના પ્રયત્નમાં ૭૮ ટીચર્સ અને ૧૯૦ સ્ટુડન્ટ્સ ઘાયલ થયા હતા. પોલીસ પાસેનો એક ગ્રેનેડ ફાટતાં ૧૫ વર્ષના એક ટીનેજરે હાથ ગુમાવ્યો હતો. આ ઘટના પછી પ્રોટેસ્ટરોનો ગુસ્સો વધુ ફાટ્યો હતો. છેલ્લા દાયકાઓમાં થયેલા પ્રોટેસ્ટ દરમ્યાન સૌથી વધુ લોહિયાળ આ વિરોધ-પ્રદર્શન રહ્યું હતું એવું સ્થાનિક મીડિયાનું કહેવું છે. 

international news world news france