23 November, 2026 11:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
ફ્રાન્સમાં સતત છઠ્ઠા વીક-એન્ડમાં હજારો લોકોએ દેશની રાજધાની પૅરિસ સહિત અનેક મોટાં શહેરોમાં સારી જાહેર સેવાઓની માગણી સાથે કૂચ કરી હતી. શનિવારનાં વિરોધ-પ્રદર્શનો વખતે હિંસા નોંધાઈ હતી. આ વિરોધ-પ્રદર્શનો સપ્ટેમ્બરમાં વિદ્યાર્થીઓ દ્વારા સારી સ્કૂલોની માગણી સાથે શરૂ થયાં હતાં. ધીમે-ધીમે આ આંદોલન મોંઘવારી, નબળી જાહેર સેવાઓ અને પોલીસ-કાર્યવાહી સામે રાષ્ટ્રવ્યાપી ઝુંબેશમાં પરિવર્તિત થયું હતું અને ત્યારથી દર વીક-એન્ડમાં હજારો લોકો રસ્તા પર ઊતરી રહ્યા છે. શનિવારે પૅરિસમાં વિરોધ-પ્રદર્શન સમાપ્ત થયા પછી ઍન્ટિ-રાયટ પોલીસે વિરોધીઓ સામે કાર્યવાહી કરી અને વિસ્તારને સાફ કરવા માટે ટિયર ગૅસના શેલ છોડ્યા હતા. આના પગલે શરૂઆતમાં જે વિરોધ-પ્રદર્શન શાંતિપૂર્ણ હતું એમાં તોફાન થયાં હતાં.
શનિવારે દેશભરમાં લગભગ ૧,૫૦,૦૦૦ વિરોધકોએ ભાગ લીધો હતો. ગયા અઠવાડિયે આ સંખ્યા ૨,૦૦,૦૦૦ હતી. ૧૭ ઑક્ટોબરે થયેલા પહેલા પ્રદર્શનમાં ૮,૦૦,૦૦૦ લોકો જોડાયા હતા અને વ્યાપક અશાંતિ ફેલાઈ હતી.