ફિકર નૉટ, સરકાર તમારી સાથે

16 May, 2025 07:22 AM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

ટર્કીનાં ફ્રૂટ્સનો બહિષ્કાર કરનારા પુણેના વેપારીઓને ધમકી, પણ દેવેન્દ્ર ફડણવીસ કહે છે...ફિકર નૉટ, સરકાર તમારી સાથે

દેવેન્દ્ર ફડણવીસ

નેશન ફર્સ્ટનો અમલ કરનારા વેપારીઓને અભિનંદન આપ્યાં મુખ્ય પ્રધાને

પુણેની ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)માં ટર્કીનાં ફ્રૂટ્સનો બહિષ્કાર થઈ રહ્યો છે એને પગલે વેપારીઓને ધમકી મળી રહી છે, પણ આ ધમકીઓ સામે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વેપારીઓને નચિંત રહેવાનું કહ્યું છે. પુણેના વેપારીઓએ ટર્કીનાં સફરજન સહિત લિચી, પ્લમ, ચેરી અને ડ્રાયફ્રૂટ્સનો બૉયકૉટ કર્યો છે. ટર્કીનો બૉયકૉટ કરનારા પુણે માર્કેટયાર્ડના વેપારી સુયોગ ઝેન્ડેને ધમકીઓ મળી છે. 

તેમને ધમકીના ફોન આવ્યા હતા. તેમણે એ ફોન રિસીવ કરવાનું બંધ કર્યું તો વૉઇસ મેસેજ મોકલીને ધમકી આપવામાં આવી હતી. મેસેજમાં ભારતને ગાળો ભાંડવામાં આવી હતી. વળી કહેવામાં આવ્યું હતું કે ભારત ટર્કી અને પાકિસ્તાનનું કંઈ બગાડી નહીં શકે.

દેવેન્દ્ર ફડણવીસે ટર્કીનાં ફ્રૂટ્સનો બૉયકૉટ કરનારા પુણેના વેપારીઓના આ પગલાને બિરદાવતાં કહ્યું હતું કે ‘ટર્કીથી ફ્રૂટ્સ ઇમ્પોર્ટ ન કરવાનો નિર્ણય લેનારા બધા જ વેપારીઓને હું અભિનંદન આપું છું. આ સમયે નેશન ફર્સ્ટનું સ્ટૅન્ડ લેવું જરૂરી છે. લોકો આ મૂવમેન્ટ કરી રહ્યા છે એ આનંદની વાત છે. જે લોકોએ પહલગામમાં અટૅક કર્યો તેમને જ નહીં, તેમને સપોર્ટ આપનારા લોકોને પણ સબક શીખવવો જરૂરી છે. જે વેપારીઓને ધમકી મળી રહી છે તેમણે ગભરાવાની જરૂર નથી. સરકાર તેમને પ્રોટેક્શન પૂરું પાડશે. બધાએ નેશન ફર્સ્ટના મુદ્દે મક્કમ રહેવાની જરૂર છે.’

ટર્કીને ભારતે આપ્યો મોટો ઝટકો, દેશનાં ૯ ઍરપોર્ટ્‍સ પર સર્વિસ આપતી કંપનીની મંજૂરી કરી રદ

ઑપરેશન સિંદૂર દરમ્યાન પોતાના મિત્ર પાકિસ્તાનની મદદ કરવા અને એનું સમર્થન કરવા બદલ ટર્કી વિરુદ્ધ ભારતે મોટી કાર્યવાહી કરી છે. એની સાન ઠેકાણે લાવવા બ્યુરો ઑફ સિવિલ એવિયેશન સિક્યૉરિટીએ ભારતનાં ૯ મુખ્ય ઍરપોર્ટ્‍સ પર સર્વિસ આપનારી ટર્કીની એક કંપનીની મંજૂરી રદ કરી દીધી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગઈ કાલે સાંજે જાહેર કરાયેલા એક આદેશમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સેલેબી ગ્રાઉન્ડ હૅન્ડલિંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલી મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે છે.

pune news pune devendra fadnavis turkey terror attack operation sindoor indian government