રશિયાની સંસદીય ચૂંટણીમાં પુતિનની પાર્ટીનો ભવ્ય વિજય

22 September, 2026 09:47 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

યુનાઇટેડ રશિયા પાર્ટીને ૫૭ ટકાથી વધુ મત મળ્યા, ૪૫૦માંથી ૩૫૫ બેઠક પર કબજો જમાવ્યો

વ્લાદિમીર પુતિન

રશિયામાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં પ્રમુખ વ્લાદિમીર પુતિનના સમર્થનવાળી યુનાઇટેડ રશિયા પાર્ટીએ ભવ્ય જીત નોંધાવી હતી. સેન્ટ્રલ ઇલેક્શન કમિશન (CEC)ના આંકડા મુજબ ૯૫ ટકાથી વધુ મતોની ગણતરી પૂરી થઈ ચૂકી છે અને યુનાઇટેડ રશિયા પાર્ટીને ૫૭.૮૬ ટકા મત મળ્યા છે. આ જીત સાથે પાર્ટી નીચલા ગૃહ સ્ટેટ ડ્યુમાની ૪૫૦માંથી ૩૫૫ બેઠકો પર કબજો જમાવીને બહુમતી જાળવી રાખશે. ૨૦૨૧ની ચૂંટણીમાં પાર્ટીને ૪૯.૮ ટકા મત મળ્યા હતા.

ફેબ્રુઆરી ૨૦૨૨માં યુક્રેન સાથે શરૂ થયેલા યુદ્ધ પછી આ પહેલી સંસદીય ચૂંટણી હતી. પુતિને આ ચૂંટણીને યુક્રેનમાં લડી રહેલા રશિયન સૈનિકોના સમર્થન સાથે જોડીને રજૂ કરી હતી. નોંધનીય છે કે ચૂંટણીના અંતિમ દિવસે રવિવારે યુક્રેન દ્વારા મૉસ્કો અને આસપાસના વિસ્તારોમાં ૧૬૦૦થી વધુ ડ્રોન-હુમલા કરવામાં આવ્યા હતા છતાં ૫૬.૬૬ ટકા મતદાન નોંધાયું હતું.

આ ચૂંટણીમાં યુદ્ધનો વિરોધ કરનારી યાબ્લોકો પાર્ટીને ચૂંટણી લડતાં અટકાવવામાં આવી હતી. પુતિન પોતે યુનાઇટેડ રશિયા પાર્ટીના સભ્ય નથી પરંતુ ૨૦૦૮થી ૨૦૧૨ સુધી તેઓ પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે. બીજા ક્રમે રહેલી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ રશિયન ફેડરેશન (CPRF)ને ૧૩.૮૪ ટકા મત મળ્યા છે. 

international news world news russia vladimir putin