18 December, 2025 11:58 AM IST | Qatar | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અગાઉ રાજદ્વારી દરમ્યાનગીરીને કારણે નિવૃત્ત લશ્કરી ઑફિસરો ફાંસીથી બચ્યા હતા, પણ ત્યારે પૂર્ણેન્દુ તિવારી ભારત પાછા નહોતા આવી શક્યા: પરિવારે ફરી વડા પ્રધાનને હસ્તક્ષેપ કરવાની માગણી કરી
કતરના અધિકારીઓએ ફરી એક વાર નૌકાદળના કમાન્ડર પૂર્ણેન્દુ તિવારીની ધરપકડ કરી છે અને તેમને જેલમાં પૂરી દીધા છે. આ મુદ્દે પૂર્ણેન્દુ તિવારીના પરિવારે જણાવ્યું હતું કે તેમની આ મહિનાની શરૂઆતમાં ધરપકડ કરવામાં આવી હતી અને ૬ ડિસેમ્બરે તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા. આ ધરપકડ બાદ પરિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશપ્રધાન એસ. જયશંકરનો સંપર્ક કરીને આ કેસમાં ફરી હસ્તક્ષેપ કરવાની અને તેમની મુક્તિ સુરક્ષિત કરવાની વિનંતી કરી છે.
૨૦૨૨ની ૧૬ ઑગસ્ટે કતરમાં ધરપકડ કરાયેલા ૮ લશ્કરી નિવૃત્ત સૈનિકોમાં પૂર્ણેન્દુ તિવારીનો સમાવેશ થતો હતો અને આ તમામને ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. જોકે રાજદ્વારી પ્રયાસો પછી કતરના અધિકારીઓએ એમાંથી સાતને માફી આપી હતી. ૧૭ મહિના જેલમાં રહ્યા પછી ફેબ્રુઆરી ૨૦૨૪માં ૭ જણની મુક્તિ શક્ય બની હતી અને આ ૭ અધિકારીઓ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારત પાછા ફર્યા હતા. જોકે પૂર્ણેન્દુ તિવારી એક અલગ કાનૂની મામલાને કારણે દેશમાં પાછા ફર્યા નહોતા. એ સમયે વિદેશ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્ણેન્દુ તિવારી સામે એક અલગ પ્રકારનો નાણાકીય કેસ ચાલી રહ્યો છે, આ કેસ સંપૂર્ણપણે ઉકેલાયા પછી અને કાનૂની પ્રક્રિયા પૂરી થયા પછી જ પૂર્ણેન્દુ તિવારી ભારત પાછા ફરી શકશે. કતરે પૂર્ણેન્દુ તિવારીના વિદેશપ્રવાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ ભારતની મુલાકાતે આવેલા કતરના આમિર શેખ તમીમ બિન હમદ અલ-થાની સમક્ષ આ મામલો ઉઠાવ્યો હતો. તેમણે બન્ને દેશો વચ્ચે મજબૂત રાજદ્વારી સંબંધો પર પ્રકાશ પાડતા ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને વધુ સ્વીકારી હતી.