24 November, 2025 10:28 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent
સાઉથ આફ્રિકામાં ગઈ કાલે યોજાયેલી ‘ઇન્ડિયા-બ્રાઝિલ-સાઉથ આફ્રિકા ડાયલૉગ ફોરમ’ દરમ્યાન સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફોસા અને બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ લુલા સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી હળવા મૂડમાં જોવા મળ્યા હતા.
G20 સમિટમાં ભાગ લેવા સાઉથ આફ્રિકા ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે કહ્યું હતું કે યુનાઇટેડ નેશન્સ સિક્યૉરિટી કાઉન્સિલ (UNSC)માં સુધારો કરવો જોઈએ, હવે એ વિકલ્પ નથી પણ જરૂરિયાત છે. ભારત, બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાને વૈશ્વિક શાસન-માળખામાં ફેરફાર માટે સ્પષ્ટ સંકેત મોકલવા તેમણે વિનંતી કરી હતી. ઉપરોક્ત વાત નરેન્દ્ર મોદીએ IBSA (ઇન્ડિયા, બ્રાઝિલ ઍન્ડ સાઉથ આફ્રિકા) નેતાઓની સમિટમાં જણાવી હતી, જેમાં બ્રાઝિલના પ્રેસિડન્ટ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા અને સાઉથ આફ્રિકાના પ્રેસિડન્ટ સિરિલ રામાફોસા હાજર રહ્યા હતા.
વિશ્વ જ્યારે વધુ ને વધુ ધ્રુવીકરણ પામી રહ્યું છે ત્યારે IBSAનો એકતા અને સહયોગનો સંદેશ મહત્ત્વપૂર્ણ છે એમ જણાવીને નરેન્દ્ર મોદીએ કડક સુરક્ષા-સહયોગ પર ભાર મૂકીને નૅશનલ સિક્યૉરિટી ઍડ્વાઇઝર (NSA) સ્તરની વાતચીતને સંસ્થાકીય બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે આતંકવાદ સામેની લડાઈમાં આપણે એકબીજાના સંકલનમાં આગળ વધવું જોઈએ, આવા ગંભીર મુદ્દા પર ડબલ સ્ટાન્ડર્ડને કોઈ સ્થાન નથી.
ટેક્નૉલૉજી-સંચાલિત વિકાસ પર મજબૂત ભાર મૂકતાં વડા પ્રધાને યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI) જેવા ડિજિટલ જાહેર માળખા, CoWIN જેવા પ્લૅટફૉર્મ, સાઇબર સુરક્ષા માળખા અને ટેક્નૉલૉજીમાં મહિલાઓ દ્વારા સંચાલિત પહેલની વહેંચણીને સક્ષમ બનાવવા માટે IBSA ડિજિટલ ઇનોવેશન અલાયન્સ બનાવવાનું આહવાન કર્યું હતું.
વડા પ્રધાને IBSA ફન્ડની અસરનો પણ ઉલ્લેખ કર્યો હતો જેણે શિક્ષણ, આરોગ્ય અને સૌરઊર્જા સહિતનાં ક્ષેત્રોમાં લગભગ ૪૦ દેશોમાં પ્રોજેક્ટ્સને ટેકો આપ્યો છે. તેમણે સાઉથ-સાઉથ કો-ઑપરેશનને વિસ્તૃત કરવા માટે ક્લાયમેટ રેઝિલિઅન્ટ ઍગ્રિકલ્ચર માટે IBSA ફન્ડની રચના કરવાનું સૂચન કર્યું હતું.