20 August, 2025 08:30 PM IST | Moscow | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી, ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્લાદિમીર પુતિન (ફાઇલ તસવીર)
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટૅરિફ પછી, ભારતને રશિયા તરફથી સમર્થન મળી રહ્યું છે. ટ્રમ્પે ભારત પર ફક્ત એટલા માટે 25 ટકા વધારાનો ટૅરિફ લાદ્યો હતો કારણ કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે. આ પછી, અમેરિકાએ ભારત સહિતના દેશો પર વધુ ટૅરિફ લાદવાની વાત કરી હતી જે રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યા છે. હવે ભારતને આ મામલે રશિયાનો ટેકો મળ્યો છે. અહેવાલ અનુસાર, રશિયન દૂતાવાસે ટ્રમ્પના આ નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. રશિયન દૂતાવાસે કહ્યું કે જો ભારતીય માલ યુએસ બજારમાં જઈ શકતો નથી, તો તેઓ રશિયા આવી શકે છે. દૂતાવાસે ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને `બેવડા ધોરણો` ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે ભારત પર રશિયન ક્રૂડ તેલ ન ખરીદવા માટે દબાણ કરવું અન્યાયી છે.
ભારતને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે
રશિયન દૂતાવાસે એમ પણ કહ્યું કે ભારતને રશિયન ક્રૂડ તેલ પર લગભગ 5 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, ભારત સમજે છે કે તેલના પુરવઠામાં ફેરફાર કરવાની કોઈ શક્યતા નથી, કારણ કે ભારતને તેનાથી ઘણો ફાયદો મળી રહ્યો છે. તેમણે કહ્યું કે રશિયન ક્રૂડ તેલનો કોઈ વિકલ્પ નથી, કારણ કે તે ખૂબ સસ્તું છે. ભારત રશિયા માટે ખૂબ જ મહત્તવપૂર્ણ છે.
બન્ને દેશો વચ્ચેના સંબંધો વધી રહ્યા છે
રશિયન દૂતાવાસે ભારત સાથે વધુ સારી ચુકવણી પ્રણાલી વિકસાવવાની વાત કરી છે. આનાથી બન્ને દેશો વચ્ચે વેપાર સરળ બનશે. આ પગલું એટલા માટે પણ મહત્તવપૂર્ણ છે કારણ કે બન્ને દેશો મુશ્કેલ સમયમાં પણ તેમની આર્થિક ભાગીદારી જાળવી રાખવા માગે છે. વેપાર સંબંધો વિશે વાત કરતા, દૂતાવાસના અધિકારીએ કહ્યું કે રશિયા બન્ને દેશો વચ્ચેના વેપારમાં અવરોધો દૂર કરવા માટે કટિબદ્ધ છે. આમાં પ્રક્રિયાઓને સરળ બનાવવા અને વ્યવસાયિક વ્યવહારો માટે વધુ સારી સિસ્ટમ બનાવવાનો સમાવેશ થાય છે.
અમેરિકા સાથે તણાવ વધ્યો
આ બાબતો એવા સમયે સામે આવી છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો થોડા બગડ્યા છે. તેનું કારણ એ છે કે ભારતે વેપાર કરાર હેઠળ ડેરી અને કૃષિ ક્ષેત્રો ખોલવા પર કડક વલણ અપનાવ્યું છે. આ ઉપરાંત, ટ્રમ્પે રશિયા પાસેથી ભારતની ક્રૂડ ઓઇલની ખરીદી પર 25 ટકા વધારાનો કર પણ લાદ્યો છે, જેનાથી તણાવ વધ્યો છે. અમેરિકા માને છે કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલની ખરીદી પરોક્ષ રીતે રશિયા-યુક્રેન યુદ્ધમાં મદદ કરી રહી છે.
મોદી અને પુતિન મુલાકાત કરશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં મુલાકાત કરશે. બન્ને નેતાઓ વર્ષના અંત પહેલા નવી દિલ્હીમાં મળશે. ભારતમાં રશિયન દૂતાવાસના એક અધિકારીએ આ માહિતી આપી છે. બેઠકની તારીખ હજી નક્કી કરવામાં આવી નથી, પરંતુ ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. રશિયા ભારત સાથે તેના વેપારને વધુ મજબૂત બનાવવા માગે છે. તેથી, રશિયા ચુકવણી પદ્ધતિઓ સુધારવા અને વેપારમાં અવરોધો દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.