05 December, 2025 11:35 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
બાયોડ્રોન
રશિયાની ન્યુરોટેક્નૉલૉજી કંપની નેઇરી એક ખાસ ટેક્નિક પર કામ કરી રહી છે, જેમાં જીવતાં કબૂતરોને ડ્રોનની જેમ ઉડાડી શકશે. કબૂતરમાં ખાસ ચિપસેટ લગાવીને એના મગજને કન્ટ્રોલ કરીને એને રિમોટથી ઑપરેટ કરી શકાય એવી ટેક્નિક ઑલમોસ્ટ તૈયાર થઈ ચૂકી છે. સંશોધકોએ આ પ્રોજેક્ટથી બાયોડ્રોન કબૂતર તૈયાર કરવાનું બીડું ઝડપ્યું હતું જે અનેક રીતે કામ આવી શકે એવાં છે. કંપનીનો દાવો છે કે ચિપસેટને મગજમાં ઇમ્પ્લાન્ટ કરી દેવાથી આમ તો કોઈ પણ પંખી પર રિમોટ દ્વારા કન્ટ્રોલ મેળવી શકાય છે. પહેલેથી ટ્રેઇન્ડ પંખી અને બાયોડ્રોન પંખી વચ્ચેનો તફાવત એ છે કે બાયોડ્રોન પંખીને કોઈ તાલીમની જરૂર નથી હોતી. માત્ર સર્જરી કરીને ચિપસેટ નાખવાની હોય છે અને એ પછી પંખી તમારા નિયંત્રણમાં હોય છે. ચિપસેટ મગજના ચોક્કસ ભાગને ઉત્તેજિત કરે છે એને કારણે રિમોટ દ્વારા મળતા તમામ આદેશોનું એ પાલન કરે છે.
કેમ કબૂતર?
નેઇરી કંપનીએ બાયોડ્રોન પંખી માટે કબૂતરોની પસંદગી એટલા માટે કરી છે કેમ કે મેકૅનિકલ ડ્રોનની તુલનામાં એ ફાયદાકારક છે. એ વધુ સમય અને લાંબી રેન્જમાં ઊડી શકે છે. વળી પંખી પોતાની સામાન્ય જીવનશૈલી જીવવાનું ચાલુ રાખી શકે છે. કબૂતર એવું પંખી છે જે શહેરી વિસ્તારોમાં પડતી અડચણોને નેવિગેટ કરવામાં કુદરતી રીતે જ માહેર હોય છે. ડ્રોન ક્યાંક જતું હોય તો એ શંકાનું કારણ બની શકે છે, પણ પંખી પર શંકા જવાની સંભાવના ખૂબ જ ઓછી હોય છે.