06 October, 2026 12:14 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)
સાયબેરિયાની પ્લેગવિરોધી લૅબોરેટરીમાં કામ કરતી ૨૮ વર્ષની મહિલા વૈજ્ઞાનિક ડારિયા શિપિલોવાનું પહેલી ઑક્ટોબરે શંકાસ્પદ ન્યુમોનિક પ્લેગથી મોત થતાં રશિયા હાઈ અલર્ટ પર છે. મૉસ્કો ટાઇમ્સના રિપોર્ટ મુજબ પચીસમી સપ્ટેમ્બરે લૅબોરેટરીમાં જીવલેણ બૅક્ટેરિયાની ટેસ્ટટ્યુબ તૂટતાં સંક્રમિત થયેલી ડારિયાને ૨૯ સપ્ટેમ્બરે ગંભીર ન્યુમોનિયા સાથે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સંપર્કમાં આવેલા મેડિકલ સ્ટાફ સહિત ૨૦૦ લોકોને ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર યર્સિનિયા પેસ્ટિસ બૅક્ટેરિયાથી થતો ન્યુમોનિક પ્લેગ સૌથી ઘાતક છે. શ્વાસોચ્છ્વાસ દ્વારા હવામાં ઝડપથી ફેલાતા આ રોગમાં એકથી ૩ દિવસમાં તાવ, માથાનો દુખાવો, ધ્રુજારી, નબળાઈ, ઉધરસ અને શ્વાસની તકલીફ જેવાં લક્ષણો દેખાય છે તથા બેથી ૪ દિવસમાં શ્વસનતંત્ર નિષ્ફળ જઈ શકે છે.
પ્લેગના બ્યુબોનિક, ન્યુમોનિક અને સેપ્ટિસેમિક એમ ત્રણેય પ્રકારની સારવાર ઍન્ટિ-બાયોટિક્સથી શક્ય છે. ૧૩૪૭માં યુરોપમાં બ્લૅક ડેથથી કરોડો લોકોનાં મોત થયાં હતાં. WHOના ડેટા મુજબ ૨૦૧૯થી ૨૦૨૫માં વિશ્વમાં ૪૦૦૦ કેસ નોંધાયા હતા. સાઇબેરિયા અને મૉન્ગોલિયાનાં જંગલી પ્રાણીઓમાં આ બૅક્ટેરિયા કુદરતી રીતે રહેલા હોવાથી પ્લેગ નાબૂદ થઈ શક્યો નથી.