પોતાના પ્રેસિડન્ટ પુતિનના ઘર પર થયેલા ડ્રોન-હુમલાનો રશિયાએ આપ્યો પુરાવો

02 January, 2026 09:52 AM IST  |  Russia | Gujarati Mid-day Correspondent

યુક્રેને એ તમામ આરોપોને નકારી કાઢતાં કહ્યું કે આ શાંતિ-વાર્તાલાપથી બચવાની ચાલ છે, અમેરિકન સીક્રેટ એજન્સીએ દાવો કર્યો કે યુક્રેને પુતિનને નિશાન નથી બનાવ્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના આવાસ પર યુક્રેને કોઈ હુમલો નથી કર્યો એવી સ્પષ્ટતા પછી રશિયાએ આ વાતનો પુરાવો આપવા માટે નષ્ટ થયેલા યુક્રેનિયન ડ્રોન્સનો વિડિયો જાહેર કરીને કહ્યું હતું કે ‘યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ પર હુમલો કરવાની કોશિશ કરી હતી. ૨૮-૨૯ ડિસેમ્બરની રાતે ૯૧ ડ્રોનથી હુમલો થયો છે, પરંતુ રશિયન ઍર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોનને હવામાં જ નષ્ટ કરી દીધા હતા.’

રશિયાના રક્ષાખાતાએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે યુક્રેને કયા વિસ્તારોમાંથી ડ્રોન છોડ્યા છે એ પણ અમને ખબર છે. જોકે યુક્રેને આ આરોપોને રદિયો આપતાં કહ્યું હતું કે ‘આ મનઘડંત વાત છે, રશિયા શાંતિવાર્તાથી બચવા માગતું હોવાથી આ ચાલ રમી રહ્યું છે.’ આ ઘટના ત્યારે બની હતી જ્યારે રશિયા-યુક્રેન વચ્ચેની સમજૂતી બહુ નજીક છે એવો અમેરિકાએ દાવો કર્યો હતો. 
અમેરિકાની ખુફિયા એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી (CIA)એ રશિયાના દાવાને ખોટો બતાવીને કહ્યું હતું કે ‘અમે યુક્રેનના ડ્રોન-હુમલાનું વિશ્લેષણ કર્યું છે. એમાં જાણવા મળ્યું છે કે યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ જેનો ઉપયોગ કરે છે એ આવાસને નિશાન નહોતું બનાવ્યું.’

international news world news russia ukraine united states of america vladimir putin