29 March, 2026 01:23 PM IST | Iran | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રશિયન નાયબ વડા પ્રધાન ઍલેક્ઝાન્ડર નોવાકે શુક્રવારે ઊર્જામંત્રાલયને પહેલી એપ્રિલથી ગૅસોલિનની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ તૈયાર કરવાની સૂચના આપી હતી. સરકાર સંચાલિત સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે પ્રતિબંધ ૩૧ જુલાઈ સુધી અમલમાં રહેશે. જોકે આ પ્રતિબંધથી ભારતને અસર થવાની નથી.
આ મુદ્દે નોવાકે જણાવ્યું હતું કે ‘પશ્ચિમ એશિયામાં કટોકટીને કારણે વૈશ્વિક તેલ અને તેલઉત્પાદનોની બજારમાં ઊથલપાથલને કારણે ભાવમાં નોંધપાત્ર વધઘટ થઈ રહી છે. એ જ સમયે વિદેશી બજારોમાં રશિયન ઊર્જાસંસાધનોની ઊંચી ડિમાન્ડ એક સકારાત્મક પરિબળ છે.’
રશિયાએ ઈંધણના વધતા ભાવને નિયંત્રિત કરવા અને અછતને પહોંચી વળવા માટે ગૅસોલિન અને ડીઝલની નિકાસ પર વારંવાર નિયંત્રણો લાદ્યાં છે. રશિયાએ ગયા વર્ષે લગભગ પાંચ મિલ્યન મેટ્રિક ટન ગૅસોલિન અથવા લગભગ ૧,૧૭,૦૦૦ બૅરલ પ્રતિ દિવસ નિકાસ કરી હતી.
ભારત મુખ્યત્વે પેટ્રોલ જેવા ફિનિશ્ડ ઈંધણની આયાત કરવાને બદલે ક્રૂડ ઑઇલની આયાત કરે છે. ભારતની ક્રૂડ ઑઇલની લગભગ ૮૦ ટકા જરૂરિયાતો આયાત દ્વારા પૂરી થાય છે અને એમાંથી લગભગ ૨૦ ટકા રશિયાથી આવે છે. ભારત ખૂબ જ ઓછું ગૅસોલિન અથવા અન્ય રિફાઇન્ડ ઈંધણ ઉત્પાદનોની આયાત કરે છે. ભારતમાં રિફાઇનિંગ ઇકોસિસ્ટમ દ્વારા સ્થાનિક રીતે ક્રૂડ પર પ્રક્રિયા કરવામાં આવે છે. આમ ભારત રશિયન ગૅસોલિન પુરવઠા પર સીધું નિર્ભર નથી અને આ નિકાસ પ્રતિબંધની તાત્કાલિક અસર થવાની શક્યતા નથી. ભારત વિશ્વના મુખ્ય રિફાઇનિંગ હબમાંનું એક છે, જેની ક્ષમતા દરરોજ લગભગ ૫.૬ મિલ્યન બૅરલ છે. એ માત્ર સ્થાનિક ડિમાન્ડને જ પૂરી કરતું નથી, રિફાઇન્ડ ઈંધણની નિકાસ પણ કરે છે.