31 December, 2025 11:47 AM IST | Russia | Gujarati Mid-day Correspondent
ટિંકોવ
સત્તા આગળ શાણપણ નકામું છે એવી કહેવત રશિયાના બૅન્કર ઓલેગ ટિંકોવના કેસમાં સત્ય સાબિત થઈ છે. ઓલેગ ટિંકોવે કહ્યું હતું કે યુક્રેન-યુદ્ધની નિંદા કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી તેમને ૯ અબજ ડૉલર (આશરે ૮૦,૯૬૮ કરોડ રૂપિયા)નું નુકસાન થયું હતું. આ પોસ્ટને કારણે તેમને તેમની બૅન્કમાં પોતાનો હિસ્સો એના વાસ્તવિક મૂલ્યને બદલે પાણીના ભાવે વેચવાની ફરજ પડી હતી. રશિયા એના વિરોધને કેવી રીતે નિયંત્રિત કરે છે એનું આ ઉદાહરણ છે. ઓલેગ ટિંકોવ એક રશિયન મૂળના ભૂતપૂર્વ અબજોપતિ અને ઉદ્યોગપતિ છે. ટિંકોફ બૅન્કના સ્થાપક તરીકે તેઓ એક સમયે રશિયાના સૌથી ધનિક બૅન્કરોમાંના એક હતા.
ઇન્સ્ટાગ્રામ પર શું પોસ્ટ કર્યું?
૨૦૨૨માં ટિંકોવે યુક્રેનમાં યુદ્ધની નિંદા કરતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ શૅર કરી હતી. એ પોસ્ટમાં તેમણે કહેલું, ‘રશિયન સૈન્ય યુદ્ધને સંભાળવા માટે તૈયાર નથી અને ભ્રષ્ટાચારથી ભરેલું છે. ૯૦ ટકા રશિયનો યુદ્ધનો વિરોધ કરે છે અને બાકીના જે ૧૦ ટકા એને ટેકો આપે છે તેઓ મૂરખ છે. મને આ પાગલ યુદ્ધનો એક પણ લાભાર્થી દેખાતો નથી. નિર્દોષ લોકો અને સૈનિકો મરી રહ્યા છે. સેનાપતિઓ હૅન્ગઓવરમાંથી જાગી ગયા, તેમને ખ્યાલ આવ્યો કે તેમની પાસે એક શરમજનક સેના છે અને જો દેશમાં બીજું બધું સગાવાદમાં ગંદું હશે તો સેના કેવી રીતે સારી રહેશે.’
પોસ્ટ ભારે પડી
હાલમાં એક વિદેશની ન્યુઝ-ચૅનલ સાથેની વાતચીતમાં ટિંકોવે ખુલાસો કર્યો હતો કે ઇન્સ્ટાગ્રામ પરની પોસ્ટના થોડા દિવસો પછી મને ક્રેમલિન તરફથી ફોન આવ્યો હતો. મને કહેવામાં આવ્યું હતું કે કાં તો બૅન્કમાં મારો હિસ્સો વેચવામાં આવશે અને બ્રૅન્ડમાંથી મારું નામ કાઢી નાખવામાં આવશે અથવા બૅન્કનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવશે. ટિંકોવે કહ્યું, ‘એ વાટાઘાટો નહીં, ધમકી હેઠળ બળજબરી હતી. હું કિંમત વિશે વાટાઘાટો કરી શક્યો નહીં. હું એક બંધક જેવો હતો.’
ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પછી તરત જ એપ્રિલ ૨૦૨૨માં બૅન્કમાં હિસ્સો વેચી દેવામાં આવ્યો હતો.
બૅન્કમાંથી હિસ્સો વેચી દીધા બાદ ટિંકોવે રશિયા છોડી દીધું હતું અને નવેમ્બર ૨૦૨૨માં ‘ખૂનીઓ અને રક્તપાત સાથે સંકળાયેલા દેશ સાથે જોડાવા માગતો નથી’ એમ કહીને તેમણે રશિયન નાગરિકતાનો પણ ત્યાગ કર્યો હતો. હાલમાં તેઓ ઇટલી અને યુનાઇટેડ કિંગડમમાં રહે છે અને મેક્સિકન ફિનટેક કંપની પ્લાટાના સમર્થક છે. ટૂંકમાં રશિયાના સૌથી સફળ બૅન્કરોમાંના એક ટિંકોવ તેમના રાજકીય વિચારોને કારણે તેમની મોટા ભાગની સંપત્તિ અને રશિયન ઓળખ ગુમાવી ચૂક્યા છે.