27 October, 2025 12:02 PM IST | Russia | Gujarati Mid-day Correspondent
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગઈ કાલે વિડિયો-મેસેજમાં સૌથી શક્તિશાળી હથિયારની જાહેરાત કરી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે દુનિયાની તમામ મોટી તાકાતોની ઊંઘ હરામ કરી નાખે એવી જાહેરાત કરી હતી. પુતિને પરમાણુ ઊર્જાથી ચાલતી સૌથી ખતરનાક ક્રૂઝ મિસાઇલ ‘બુરેવેસ્ટનિક’નું સફળ પરીક્ષણ પૂરું કરી લીધું હોવાનો દાવો કર્યો હતો. રશિયાનો દાવો છે કે આ ન્યુક્લિયર ક્રૂઝ મિસાઇલ અજેય છે અને કોઈ પણ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમને ચકમો આપી શકે છે. એના ઉડાનની સીમા પણ લગભગ અમર્યાદિત છે. પુતિને દાવો કર્યો હતો કે આ મિસાઇલ માત્ર રશિયાની સુરક્ષા જ કરશે એવું નથી, વૈશ્વિક રણનીતિક સંતુલન માટે પણ મહત્ત્વની પુરવાર થશે.
અનલિમિટેડ રેન્જવાળી ‘બુરેવેસ્ટનિક’ન્યુક્લિયર મિસાઇલનું સફળ પરીક્ષણ થયું.
બુરેવેસ્ટનિક મિસાઇલની ખાસિયતો
આ ક્રૂઝ મિસાઇલ ૧૪,૦૦૦ કિલોમીટર સુધીનું અંતર કાપી શકે છે અને લગભગ ૧૫ કલાક સુધી હવામાં સક્રિય રહી શકે છે. પુતિને આ પરીક્ષણ સફળ થતાં જ હવે એને જલદીથી તહેનાત કરવાની તૈયારી પણ શરૂ કરી દીધી છે. પુતિને પહેલી વાર આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ વિશે ૨૦૧૮માં ખુલાસો કર્યો હતો. ત્યારથી તેઓ દાવો કરતા આવ્યા છે કે બુરેવેસ્ટનિકની રેન્જ અમર્યાદિત હશે જે પરીક્ષણ દ્વારા તેમણે સાબિત કર્યું હતું. વિશેષજ્ઞોએ પણ આ મિસાઇલ વિશ્વભરમાં મોજૂદ તમામ રક્ષાપ્રણાલીઓને ભ્રમિત કરનારી હોવાથી અજેય અને અભેદ્ય છે એમ કહ્યું હતું. સૌથી મોટી ખાસિયત એ છે કે એનું ઈંધણ ખતમ નથી થતું એને કારણે સૈદ્ધાંતિક રીતે પૂરી પૃથ્વીની પરિક્રમા એક વાર નહીં, અનેક વાર કરી શકે છે. એમાં પરમાણુ વૉરહેડ પણ લગાવવાની ક્ષમતા છે અને એનાથી કોઈ પણ દેશ પર વિનાશકારી હુમલો થઈ શકે છે.