જયશંકરે અમેરિકાને ચોખ્ખું કહ્યું, અમને મૂરખ ન બનાવો

27 September, 2022 09:09 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પાકિસ્તાનને પૅકેજ પૂરું પાડવા બદલ અમેરિકાએ કરેલી દલીલને વિદેશપ્રધાને ફગાવી દીધી  

ફાઇલ તસવીર

વિદેશપ્રધાન એસ. જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોની યોગ્યતા સામે સવાલો ઉઠાવ્યા હતા. વૉશિંગ્ટનમાં રવિવારે ભારતીય અમેરિકન સમુદાય દ્વારા આયોજિત એક ઇવેન્ટમાં જયશંકરે કહ્યું હતું કે ‘આ એક એવો સંબંધ છે કે જેનાથી ન તો પાકિસ્તાનને લાભ થશે કે ન તો અમેરિકાના હેતુઓ પાર પડશે.’

થોડાં અઠવાડિયાં પહેલાં જ અમેરિકાએ પાકિસ્તાન ઍરફોર્સના એફ-૧૬ કાફલા માટે ૪૫ કરોડ ડૉલર (૩૬૭૧.૮૧ કરોડ રૂપિયા)ના પૅકેજને મંજૂરી આપી હતી. હવે વૉશિંગ્ટનમાં આયોજિત આ ઇવેન્ટમાં ઑડિયન્સમાંથી એના વિશે સવાલ પૂછવામાં આવતાં જયશંકરે અમેરિકા માટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું.

પાકિસ્તાનના એફ-૧૬ના કાફલા માટે પૅકેજ પૂરું પાડવાના અમેરિકાના નિર્ણયને લઈને ભારતે એની ચિંતા અમરિકાના સંરક્ષણપ્રધાન લોયડ ઑસ્ટિન સમક્ષ વ્યક્ત કરી છે. જયશંકરે કહ્યું હતું કે ‘પાકિસ્તાન સાથેના સંબંધોની યોગ્યતા અને એનાથી કયા ફાયદા મેળવી શકાય એના વિશે અમેરિકા વિચાર કરે, એ ખરેખર જરૂરી છે. જ્યારે તમે કહો કે આતંકવાદ વિરોધી પગલાં લેવા માટે તમે આમ કરી રહ્યા છો. (પાકિસ્તાનને પૅકેજ આપી રહ્યા છો) અને જ્યારે તમે એફ-૧૬ જેવી ક્ષમતા ધરાવતા ઍરક્રાફ્ટની વાત કરી રહ્યા છો તો ત્યારે એને ક્યાં તહેનાત કરાશે અને એનો શું ઉપયોગ થશે એ તમને ખબર છે. આવી વાતો કહીને મૂરખ ન બનાવો.’

અમેરિકન મીડિયાની પણ ઝાટકણી કાઢી
અમેરિકન મેઇનસ્ટ્રીમ મીડિયાની ઝાટકણી કાઢતાં જયશંકરે કહ્યું હતું કે ‘હું મીડિયા જોઉં છું. કેટલાંક ન્યુઝપેપર્સ છે કે જેમના વિશે તમને સારી રીતે ખબર હોય છે કે તેઓ શું લખશે. મારો કહેવાનો અર્થ એ છે કે પૂર્વગ્રહો છે. તેઓ નિર્ણયો નક્કી કરવાની કોશિશ કરે છે. તેઓ માને છે કે તેઓ રખેવાળ છે. આવા ગ્રુપ્સની ભારતમાં જીત થઈ રહી નથી.’ 

international news india united states of america