સાઉદી અરેબિયામાં આધુનિક ગુલામીપ્રથા જેવી કફાલા સિસ્ટમ આખરે રદ

24 October, 2025 10:08 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

૨૬.૫ લાખ ભારતીયોને થશે ફાયદો : નવી સિસ્ટમ પ્રમાણે એમ્પ્લૉયર પાસપોર્ટ જમા નહીં રાખી શકે, કામદારો પોતાની મરજીથી નોકરી બદલી શકશે અને પાછા પણ આવી શકશે

પ્રતીકાત્મક તસવીર

સાઉદી અરેબિયામાં કામ કરવા જતા ભારતીયોને સૌથી મોટી ચિંતા કફાલા સિસ્ટમની હતી. આ સિસ્ટમને ઘણા સમયથી આધુનિક ગુલામીની સિસ્ટમ ગણાવવામાં આવતી હતી, કારણ કે ત્યાં જતાં જ નોકરી પર રાખનારા શેખ કામદારોના પાસપોર્ટ જમા કરી લેતા હતા અને તેમની પરવાનગી વગર નોકરી છોડવી કે દેશ છોડવો શક્ય નહોતું. જોકે હવે સાઉદી કિંગડમે આ સિસ્ટમને રદ કરી દીધી છે. આ વર્ષના જૂન મહિનામાં જ કફાલા સિસ્ટમને રદ કરવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો હતો અને એ હવે અમલમાં મુકાયો છે.

શું હતી કફાલા સિસ્ટમ?
કામદારોને વિદેશથી સાઉદી અરેબિયામાં લાવવાનો, વર્કિંગ સાઇટ પર તેમને રાખવાનો વગેરે ખર્ચ એમ્પ્લૉયર પોતે કરતો અને એ મજૂરો પર કફાલા સિસ્ટમ લાગુ પડતી હતી. આ સિસ્ટમ સાઉદી અરેબિયામાં વિદેશથી આવતા મજૂરો-કર્મચારીઓ અને તેમને નોકરી પર રાખનારા એમ્પ્લૉયર વચ્ચેની કાયદેસર વ્યવસ્થા હતી.

કેમ હતો આક્રોશ?
આ સિસ્ટમ સામે ઘણો આક્રોશ હતો. આ વ્યવસ્થાને લીધે વિદેશી મજૂરોને યુનિયનમાં જોડાવાની મંજૂરી નહોતી. તેમને લઘુતમ વેતન ધોરણ કે લેબર લૉનો પણ લાભ નહોતો મળતો. આ મજૂરો કામ પ્રમાણે એક કે બે વર્ષ સુધી નોકરી પણ છોડી શકતા નહોતા. કફાલા સિસ્ટમમાં નોકરી બદલવા માટે કે દેશ છોડવા માટે પણ કર્મચારીએ તેના એમ્પ્લૉયરની મંજૂરી લેવી પડતી હતી.

નવી સિસ્ટમમાં શું વ્યવસ્થા છે?
સાઉદી અરેબિયાએ કફાલા સિસ્ટમને બદલે હવે કૉન્ટ્રૅક્ટ આધારિત સિસ્ટમ અપનાવી છે. આ સિસ્ટમને લીધે વિદેશથી કામ કરવા આવતા કર્મચારીઓ અને મજૂરોને જૉબ બદલવાની વધારે આઝાદી હશે. એ માટે તેમને વર્તમાન એમ્પ્લૉયરની પરવાનગીની પણ જરૂર નહીં પડે. એમ્પ્લૉયરની મંજૂરી કે એક્ઝિટ-વીઝા વગર કર્મચારીઓ દેશ છોડીને બહાર પણ જઈ 
શકશે. કર્મચારીઓને ફરિયાદો માટે કોર્ટમાં જવાનો અધિકાર અને વ્યવસ્થા પણ મળશે.

૨૬.૫ લાખ ભારતીયોને થશે ફાયદો
કફાલા સિસ્ટમ રદ થઈ જતાં એનો ફાયદો એક કરોડ ૩૪ લાખ જેટલા કર્મચારીઓ-મજૂરોને થવાનો છે. સાઉદી અરેબિયાની કુલ વસ્તીના ૪૨ ટકા જેટલો હિસ્સો આ કામદારોનો છે. મોટા ભાગના કામદારો ભારત, નેપાલ, બંગલાદેશ અને ફિલિપીન્સના છે. ભારતના ૨૬.૫ લાખ જેટલા કામદારો સાઉદી અરેબિયામાં કફાલા સિસ્ટમ હેઠળ કામ કરી રહ્યા છે. તેમને નવી સિસ્ટમથી સીધો ફાયદો થશે.    

international news world news saudi arabia indian government