25 July, 2026 07:25 PM IST | Riyadh | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે મધ્ય પૂર્વમાં તણાવ પહેલાથી જ વધી ગયો છે ત્યારે વિશ્વની સૌથી મોટી તેલ કંપની અરામકો પર હુમલો કરવામાં આવ્યો છે. આજે સવારે સાઉદી અરેબિયા મિસાઇલ અને ડ્રોન હુમલાથી હચમચી ગયું હતું. અમેરિકન ઍર ડિફેન્સ સિસ્ટમ પણ આ હુમલાઓને અટકાવવામાં નિષ્ફળ રહ્યું હતું. સાઉદી ઔદ્યોગિક શહેર જીઝાનમાં વિસ્ફોટોનો અવાજ સંભળાયો હતો. અહેવાલ મુજબ અહીં મિસાઇલ હુમલા દ્વારા એક મુખ્ય સુવિધાને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલો વિશ્વની સૌથી મોટી તેલ કંપની માટે ખતરો છે, અને આ ઘટના બાદ ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે.
સૂત્રો અનુસાર, હુમલો યમનમાં થયો હતો. હુમલાખોરોએ અરામકો સાથે જોડાયેલી તેલ સુવિધાને નિશાન બનાવ્યું હતું. યમનથી સાઉદી વિસ્તારો જીઝાન, યાનબુ અને દમાદ પર હુમલા કરવામાં આવ્યા હતા. સાઉદી નાગરિક સંરક્ષણ દળે યાનબુ પ્રાંત માટે કટોકટી ચેતવણી જાહેર કરી છે. અરામકો વિશ્વની સૌથી મોટી તેલ કંપની છે. નુકસાન કેટલી થયું છે તે હજી સુધી જાણી શકાયું નથી, પરંતુ આ ઘટનાએ વિશ્વભરના દેશોમાં ચિંતા વધારી છે, કારણ કે તે તેલ પુરવઠાને સીધી અસર કરી શકે છે અને કિંમતોમાં વધારો કરી શકે છે.
અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે, સાઉદી અરેબિયા અને યમનના હૂતી બળવાખોરો વચ્ચે તણાવ પણ ઉકળતા બિંદુએ પહોંચી ગયો છે. શુક્રવારે રાત્રે, સાઉદી અરેબિયાએ યમનના હૂતી-નિયંત્રિત શહેર હોદેદાહ પર હુમલો કર્યો. હૂતી વિદેશ મંત્રાલયે ચેતવણી આપી હતી કે, "આ હુમલો સાઉદી અરેબિયા માટે મોંઘો સાબિત થશે; અમે બદલો લઈશું." તેઓએ બરાબર એ જ કર્યું. હૂતી-સંલગ્ન ચેનલ અલ-મસિરાહ ટીવી અનુસાર, સાઉદી દળોએ હોદેદાહમાં એક ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી સુવિધાને નિશાન બનાવી. કામરાન ટાપુ પર પણ હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા ઘાયલ થઈ હતી.
બુધવારે, હૂતીઓએ ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને લાલ સમુદ્રમાં સાઉદી તેલ ટૅન્કરોને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો, જેમાં એક જહાજને નુકસાન થયું હતું. સના ઍરપોર્ટ પર હુમલાના બદલામાં 20 જુલાઈના રોજ જાહેર કરાયેલી નાકાબંધીના ભાગ રૂપે હૂતીઓએ આ કાર્યવાહી કરી હતી. સાઉદી સમર્થિત સરકારે ઍરપોર્ટ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી. 2022 થી બન્ને પક્ષો વચ્ચેનો શાંતિ કરાર હવે તૂટી રહ્યો હોય તેવું લાગે છે. લાલ સમુદ્ર માર્ગ પર વૈશ્વિક વેપાર અંગે ચિંતાઓ વધી ગઈ છે.