મહિને ૧૨ લાખ રૂપિયાનો પગાર ધરાવતા નૉન-મુસ્લિમ વિદેશીઓ સાઉદી અરેબિયામાં દારૂ ખરીદી શકશે

10 December, 2025 09:27 AM IST  |  Saudi Arabia | Gujarati Mid-day Correspondent

આ ફેરફારો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશનાં અન્ય બે શહેરોમાં પણ શરાબના નવા સ્ટોર્સ બનાવવામાં આવી રહ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

સાઉદી અરેબિયાએ શરાબના વેચાણના નિયમોમાં છૂટછાટ આપવા માટે વધુ પગલાં લીધાં છે. એમાં હવે મહિને ૫૦,૦૦૦ રિયાલ એટલે કે આશરે ૧૨ લાખ રૂપિયા કે એથી વધુ આવક ધરાવતા બિનમુસ્લિમ વિદેશી રહેવાસીઓને શરાબ ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

રિયાધમાં ખોલવામાં આવેલા દેશના એકમાત્ર લિકર આઉટલેટમાં પ્રવેશ મેળવવા માટે રહેવાસીઓએ પગારનું પ્રમાણપત્ર બતાવવું પડશે અને તેમની આવક સાબિત કરવી પડશે. રિયાધ આઉટલેટના ગ્રાહકો માસિક પૉઇન્ટ-આધારિત ભથ્થાપ્રણાલી હેઠળ ખરીદી કરી શકે છે. ગયા વર્ષે વિદેશી રાજદ્વારીઓ આસાનીથી શરાબની ખરીદી કરી શકે એ માટે આ સ્ટોર ખોલવામાં આવ્યો હતો અને એમાં હવે પ્રીમિયમ રેસિડન્સી સ્ટેટસ ધરાવતા બિનમુસ્લિમોને પણ પ્રવેશ આપવામાં આવે છે.

આ ફેરફારો અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. દેશનાં અન્ય બે શહેરોમાં પણ શરાબના નવા સ્ટોર્સ બનાવવામાં આવી રહ્યા છે.

યે દેશ બદલ રહા હૈ
શરાબના ઍક્સેસ વિશેના નિયમોમાં ધીમી છૂટછાટ સામાજિક પ્રતિબંધોને હળવા કરવા અને રિયાધને બિઝનેસ અને ઇન્વેસ્ટમેન્ટ માટે વધુ સ્પર્ધાત્મક કેન્દ્ર બનાવવાના વ્યાપક પ્રયાસો સાથે સુસંગત છે. સાઉદી અરેબિયા વિદેશી પ્રતિભા અને મૂડી આકર્ષિત કરવાને એના આર્થિક પરિવર્તન માટે મહત્ત્વપૂર્ણ માને છે.

છેલ્લાં કેટલાંક વર્ષોમાં સાઉદી અરેબિયાએ મહિલાઓના વાહન ચલાવવા પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. દેશમાં ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે જાહેર મનોરંજન અને સંગીતના કાર્યક્રમોને મંજૂરી અપાઈ છે. પરિવર્તનની ગતિ દર્શાવે છે કે ઇસ્લામના જન્મસ્થળ અને આ ધર્મનાં બે સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદીનાના ઘર સમા દેશને આધુનિક બનાવવાનું કાર્ય કેટલું નાજુક છે.

international news world news saudi arabia