ઓમાનના દરિયાકાંઠે ૩ દિવસમાં ત્રીજા જહાજ પર હુમલો

12 June, 2026 09:04 AM IST  |  Oman | Gujarati Mid-day Correspondent

બુધવારે જહાજ પરના હુમલામાં ગુમ થયેલા ત્રણેય ભારતીયોનાં મોત, અમેરિકી રાજદ્વારીને તેડાવીને ભારતે નોંધાવ્યો સખત વિરોધ

અમેરિકાના હુમલા બાદ ઓમાનના દરિયાકિનારે ડૂબી ગયેલા જહાજની કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સમાંના એક યુવાનના શોકાતુર પરિવારજનો તેની તસવીર હાથમાં પકડીને ભારે આક્રંદ કરી રહ્યા છે.

ઓમાનના દરિયાકાંઠે દરિયાઈ સુરક્ષા જોખમાતાં ​પશ્ચિમ એશિયામાં ભારે ઉત્તેજના વ્યાપી છે. બુધવારે થયેલા હુમલાના બરાબર ૨૪ કલાક દરમ્યાન ઓમાનના શિનાસ પોર્ટ નજીક વધુ એક કમર્શિયલ જહાજ પર હુમલો થયો હતો. MT જલવીર નામના આ શિપ પર હુમલા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી, જેને કારણે સમુદ્રની વચ્ચે સળગતા જહાજની ભયાનક તસવીરો સામે આવી છે. ઓમાનસ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરી છે અને સ્થાનિક પ્રશાસન સાથે મળીને તમામ ક્રૂને સુરક્ષિત કાંઠે લાવી દેવાયા છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. છેલ્લા ૩ દિવસમાં આ વિસ્તારમાં જહાજ પર હુમલાની આ ત્રીજી ઘટના છે.

આ પહેલાં બુધવારે ૧૦ જૂને સેટેબેલો નામના ટૅન્કર પર હુમલો થયો હતો, જેમાં ૨૪ ભારતીય ક્રૂ સવાર હતા. એમાંથી ૨૧ ભારતીયોને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે ગુમ થયેલા ૩ ભારતીયોનાં કરુણ મોત થયાં હોવાનો અહેવાલ છે. બ્રિટિશ મૅરિટાઇમ સિક્યૉરિટી ગ્રુપ ઍમ્બ્રેના અહેવાલ મુજબ આ હુમલા ઈરાની બંદરોની ઘેરાબંદી કરવા માટેના 

અમેરિકી લશ્કરી ઑપરેશનનું પરિણામ હોઈ શકે છે.

ભારતે આ મામલે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. નવી દિલ્હીમાં વિદેશ મંત્રાલયે અમેરિકી રાજદૂત જેસન મિક્સને તાત્કાલિક તેડાવીને આ મામલે સત્તાવાર રીતે ભારતનો આકરો વિરોધ નોંધાવ્યો છે. બીજી તરફ અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટે સ્પષ્ટતા કરી છે કે તેઓ આ ગંભીર મુદ્દે ભારત સરકારના સીધા સંપર્કમાં છે. હાલ તો સમગ્ર મામલે ભારતે તમામ સંબંધિત પક્ષો સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. 

પરિવારનો આધાર છીનવાઈ ગયો

અમેરિકાના હુમલા બાદ ઓમાનના દરિયાકિનારે ડૂબી ગયેલા જહાજની કરુણ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ત્રણ ભારતીય ક્રૂ મેમ્બર્સમાંના એક યુવાનના શોકાતુર પરિવારજનો તેની તસવીર હાથમાં પકડીને ભારે આક્રંદ કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના વતની એવા આ યુવાનના આકસ્મિક મોતના સમાચાર મળતાં જ તેના ઘરમાં માતમ છવાઈ ગયો છે.

international news world news oman middle east crisis united states of america