ટર્કીમાં ૬.૧ની તીવ્રતાના ભૂકંપથી અનેક મકાનો ધરાશાયી, બાવીસ લોકો ઘાયલ

29 October, 2025 12:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટર્કીના બાલિકેસિર પ્રાંતમાં સોમવારે રાતે સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦.૪૮ વાગ્યે જબરદસ્ત ભૂકંપથી ધરા ધણધણી ઊઠી હતી

પ્રતીકાત્મક તસવીર

ટર્કીના બાલિકેસિર પ્રાંતમાં સોમવારે રાતે સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦.૪૮ વાગ્યે જબરદસ્ત ભૂકંપથી ધરા ધણધણી ઊઠી હતી. સિંદિરગી શહેરમાં ભૂકંપનું ઉદ‍્ગમસ્થાન હતું અને એની ૬.૧ની તીવ્રતા નોંધાઈ હતી. જમીનમાં ૬ કિલોમીટર ઊંડે હલચલ મચી હતી. ભૂકંપના આંચકાથી ઇસ્તાંબુલ, બુરસા, મનીસા અને ઇજમિર શહેરોમાં પણ જમીન ધ્રૂજી ઊઠી હતી. મુખ્ય ભૂકંપ પછી અનેક આફ્ટરશૉક્સ પણ રાતભર આવ્યા હતા. સિંદિરગી શહેરમાં પહેલેથી જ ક્ષતિગ્રસ્ત હોય એવાં ઘણાં મકાનો ધરાશાયી થઈ ગયાં હતાં. જોકે કોઈ જાનહાનિ નહોતી થઈ. ભૂકંપને કારણે બાવીસ લોકો ઘાયલ થયા હતા. 

ઇન્ડોનેશિયાના બાંદા સમુદ્રમાં ૬.૬ની તીવ્રતાનો ભૂકંપ

જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયોસાયન્સિસ (GFZ)ના જણાવ્યા અનુસાર મંગળવારે ઇન્ડોનેશિયાના બાંદા સમુદ્ર-વિસ્તારમાં ૬.૬ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ ૧૩૭ કિલોમીટર ઊંડે આવ્યો હતો. ઇન્ડોનેશિયાની મોસમ વિજ્ઞાન અને જિયોગ્રાફિક એજન્સીએ ભૂકંપની પુષ્ટિ કરી હતી. સામાન્ય રીતે આ વિસ્તારમાં ભૂકંપ પછી સુનામીની સંભાવના વધી જતી હોય છે, પરંતુ ઇન્ડોનેશિયાની એજન્સીએ સુનામીની કોઈ સંભાવના નથી એવું જાહેર કર્યું હતું.

international news world news turkey earthquake indonesia