અમેરિકામાં વાઇટ હાઉસ પાસે ફાયરિંગ, બે ગાર્ડ ગંભીર ઘાયલ

28 November, 2025 09:35 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પે એને ટેરર અટૅક ઠેરવ્યો, શંકાસ્પદ આરોપી અફઘાન શરણાર્થી હોવાથી અફઘાન નાગરિકોની તમામ ઇમિગ્રેશન રિક્વેસ્ટ પ્રોસેસિંગ પર રોક

બુધવારે વૉશિંગ્ટન DCમાં ઘાયલ હુમલાખોરને લગભગ કપડાં વિના ઍમ્બ્યુલન્સમાં લઈ જવાયો હતો.

અમેરિકામાં બુધવારે વૉશિંગ્ટન DCમાં વાઇટ હાઉસ પાસે થયેલા ગોળીબારમાં બે નૅશનલ ગાર્ડ્સના જવાનો ઘાયલ થયા હતા. આ હુમલો કરવાની શંકા બદલ એક અફઘાન શરણાર્થીને પકડવામાં આવ્યો હતો. શંકાસ્પદ આરોપીની ઓળખ ૨૯ વર્ષના રહમાનુલ્લાહ લાકનવાલ તરીકે થઈ હતી. તે ૨૦૨૧માં અફઘાનિસ્તાનથી અમેરિકા ગયો હતો અને ૨૦૨૪માં શરણાર્થીના દરજ્જા માટે અપ્લાય કર્યું હતું અને આ વર્ષે એપ્રિલ મહિનામાં જ એને મંજૂરી મળી હતી. 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે આ ઘટનાને આતંવાદી ઘટના ગણાવી છે. આ હુમલો ફૅરાગૅટ વેસ્ટ મેટ્રો સ્ટેશન પાસે થયો હતો. ત્યાં રહમાનુલ્લાહ થોડીક વાર રાહ જોતો ઊભો હતો અને પછી અમેરિકાના સ્થાનિક સમય અનુસાર બપોરે સવાબે વાગ્યાની આસપાસ તેણે ગોળીબાર કરવાનું શરૂ કરી દીધું હતું. તેણે પહેલાં એક મહિલા ગાર્ડની છાતીમાં ગોળી મારી અને પછી માથામાં. એ પછી તેણે બીજા ગાર્ડ પર ફાયર કર્યું હતું. એ જ સમયે ત્યાં હાજર ત્રીજા ગાર્ડે રહમાનુલ્લાહ પર ૪ ગોળી ચલાવીને તેના પર કાબૂ મેળવી લીધો હતો. રહમાનુલ્લાહને તેના શરીર પર નહીંવત્ કપડાં સાથે બાંધીને ઍમ્બ્યુલન્સમાં લઈ જવાયો હતો.

૧૦ વર્ષ અફઘાન સેનામાં કામ 

જાણવા મળ્યું છે કે રહમાનુલ્લાહ અફઘાનિસ્તાનની સેનામાં ૧૦ વર્ષ કામ કરી ચૂક્યો છે અને એ દરમ્યાન તેણે અમેરિકાની સ્પેશ્યલ ફોર્સની સાથે મળીને કેટલાંક ઑપરેશન્સ પણ પાર પાડ્યાં હતાં. તે અફઘાનના ખોસ્ત પ્રાંતનો છે અને બૅલિંગ્હૅમ શહેરમાં પત્ની અને પાંચ બાળકો સાથે રહેતો હતો.

અફઘાનિસ્તાનની ઇમિગ્રેશન  રિક્વેસ્ટ પ્રોસેસ પર રોક 
આ હુમલા પછી તરત જ અમેરિકાએ અફઘાન નાગરિકોની ઇમિગ્રેશન સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓ તાત્કાલિક ધોરણે અટકાવી દીધી હતી. અમેરિકાના સિટિઝન ઍન્ડ ઇમિગ્રેશન 
સર્વિસિસ ખાતાએ કહ્યું હતું કે ‘સુરક્ષાના હેતુથી પૂરી તપાસ કર્યા પછી વેઇટિંગ સિસ્ટમની ફરીથી સમીક્ષા કરવામાં આવશે. જ્યાં સુધી એ પૂરી નહીં થાય ત્યાં સુધી અફઘાન નાગરિક સાથે સંકળાયેલી કોઈ પણ ઇમિગ્રેશન પ્રોસેસ આગળ નહીં વધે.’

માનવતાવિરોધી અપરાધ, આની ભારે કિંમત ચૂકવવી પડશે: ટ્રમ્પ 

આ ઘટના પછી ખૂબ જ ગુસ્સે ભરાયેલા ડોનલ્ડ ટ્રમ્પે હુમલાખોરને જાનવર સાથે સરખાવીને તેમની માલિકીના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રૂથ સોશ્યલ પર લખ્યું હતું કે ‘આપણા નૅશનલ ગાર્ડ્સ અને સુરક્ષા દળો પર મને ગર્વ છે. હું અને મારી ટીમ તેમની સાથે છીએ. આ રાષ્ટ્રવિરોધી અને માનવતાવિરોધી ગુનો છે. જેણે પણ આ કર્યું છે તેણે અત્યંત ગંભીર કિંમત ચૂકવવી પડશે.’ બીજા એક વિડિયો મેસેજમાં ટ્રમ્પે કહ્યું હતું કે ‘મારી જાણકારીમાં આવ્યું છે કે આ સંદિગ્ધ એક વિદેશી છે જે નરક જેવી જગ્યા અફઘાનિસ્તાનથી અમારા દેશમાં આવ્યો છે. ભૂતપૂર્વ સરકાર દરમ્યાન અમેરિકા આવેલા તમામ અફઘાન નાગરિકોની ફરીથી તપાસ થશે.’

international news world news united states of america white house donald trump terror attack washington