02 July, 2025 06:54 AM IST | Washington | Gujarati Mid-day Online Correspondent
ઇસ્કૉન મંદિર પર ગોળીબાર (તસવીર: X)
અમેરિકા સહિત દુનિયાભરમાં ભારતીયો અને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે હિંસાચર અને જાતિભેદ વધી રહ્યો છે. ખાસ કરીને હિન્દુ મંદિરો પર અનેક હુમલા થયાની ઘટનાઓ બની છે. તાજેતરમાં અમેરિકામાં પણ હિન્દુ મંદિર પર ગોળીબાર કરવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે. અમેરિકાના ઉત્તરી ઉટાહમાં એક હિન્દુ મંદિરને વારંવાર ગોળીબારનો નિશાન બનાવવામાં આવ્યું છે, જેના કારણે સ્પેનિશ ફોર્ક, ઉટાહમાં ઇસ્કૉનના શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર સામે સંભવિત નફરતના ગુના અંગે ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.
મંદિર વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, ગયા મહિને અનેક રાત્રે ઇમારત પર અનેક વખત ગોળીબાર કરવામાં આવ્યો હતો. મંદિરના મુખ્ય માળખાના વિવિધ ભાગોમાં ગોળીઓ વાગી હતી, જેમાં પ્રતિષ્ઠિત ગુંબજ, કમાનો અને મુખ્ય પૂજા ખંડમાં ખુલતી બીજી માળની બારીને નુકસાન થયું હતું. ઉટાહ કાઉન્ટી શૅરિફ ઑફિસ આ બાબતની તપાસ કરી રહી છે અને આ ઘટના નફરતથી પ્રેરિત હોવાની શક્યતાને નકારી શકાઈ નથી.
મીડિયા અહેવાલ મુજબ, ગોળીબારની પહેલી ઘટના 18 જૂનની રાત્રે બની હતી, જ્યારે મંદિરના સહ-સ્થાપક વાઈ વોર્ડને મંદિરની બાજુમાં આવેલા કૃષ્ણ રેડિયો સ્ટેશન બિલ્ડિંગ પાસે જોરદાર અવાજ સાંભળ્યો હતો. શરૂઆતમાં, વોર્ડને વિચાર્યું કે તે ફટાકડા હોઈ શકે છે અથવા સ્થાનિક બાળકો રમી રહ્યા હોઈ શકે છે. પરંતુ બીજા દિવસે સવારે, મંદિરની દિવાલો અને બારીઓ પર ગોળીઓના છિદ્રો જોવા મળ્યા હતા.
મંદિરના કર્મચારીઓ દ્વારા સ્કેન કરાયેલા સીસીટીવી ફૂટેજના આધારે, તે જ રાત્રે અને ફરીથી 20 જૂને વધુ ગોળીબાર ચાલુ રહ્યો. સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે, એક વાહન મંદિરના પરિસરમાં આવી રહ્યું છે, વાડ પાસે ખમી રહ્યું છે, અને કોઈ વ્યક્તિ વાહનમાંથી ગોળીબાર કરી રહ્યું છે અને પછી ઝડપથી ભાગી રહ્યું છે.
ઇમારત પર 20 થી વધુ વખત ગોળીઓ ચલાવવામાં આવી હતી, જેમાં 100 યાર્ડથી વધુ દૂરથી ગોળીઓ ચલાવવામાં આવી હતી. મંદિરના ગુંબજ પર અને જાહેર મેળાવડા વિસ્તારોની નજીક ગોળીઓની શૅલ મળી આવી હતી હતા, જે સૂચવે છે કે ગોળીબાર ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર 1990 ના દાયકાની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું અને તે તેના વાર્ષિક હોળી ઉત્સવનું આયોજન કરવા માટે પ્રખ્યાત છે, આ મંદિર રાજ્ય અને તેની બહારના હજારો ભક્તોને આકર્ષે છે. તે સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને આંતરધાર્મિક મેળાવડા માટે એક કેન્દ્ર તરીકે પણ કાર્ય કરે છે.