૧૨ દિવસમાં ૧૦૦૦ કિલોમીટર દોડનારાં આ બહેનનાં શૂઝ પણ ગરમીમાં ઓગળી ગયાં

17 June, 2024 11:05 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આ સાથે તેણે સૌથી ઝડપી મલેશિયાને પગથી ક્રૉસ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે.

નતાલી દાઉ

સિંગાપોરની અલ્ટ્રામૅરથૉન-રનર નતાલી દાઉએ બાવન વર્ષની ઉંમરે સૌથી ઝડપી ૧૦૦૦ કિલોમીટરની અલ્ટ્રામૅરથૉન દોડવાનો રેકૉર્ડ બનાવ્યો છે. આ અલ્ટ્રામૅરથૉન થાઇલૅન્ડથી મલેશિયા થઈને સિંગાપોરમાં કુલ ૧૦૦૦ કિલોમીટરની હતી. પાંચમી જૂને નતાલીએ દોડવાનું શરૂ કરેલું અને રોજના ઍવરેજ ૮૫ કિલોમીટર દોડીને તેણે ૧૨ દિવસમાં ૧૦૦૦ કિલોમીટરની અલ્ટ્રામૅરથૉન પૂરી કરી હતી. આ સાથે તેણે સૌથી ઝડપી મલેશિયાને પગથી ક્રૉસ કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ બનાવ્યો છે. આ દોડની સાથે નતાલીએ ૫૦,૦૦૦ ડૉલરની ગ્લોબલ ચૅરિટી માટેનું ફન્ડ પણ એકઠું કર્યું હતું. સતત ૧૨ દિવસથી દોડવાની આ રેસના અનુભવ વિશે નતાલીનું કહેવું છે કે ‘લગાતાર ચાર દિવસ દોડ્યા પછી અવારનવાર રેસમાં લો પૉઇન્ટ્સ આવતા રહ્યા. પણ એ વિશે વિચારવાનો સમય પણ નહોતો. તમે પ્રથમ આવો કે છેલ્લા, આ અલ્ટ્રામૅરથૉન દોડવી એ ઑલમોસ્ટ સુપરહ્યુમન કામ છે. વિશ્વની ૦.૦૫ ટકા વસ્તીએ તો કદી આવું કરવાનું વિચાર્યું પણ નહીં હોય.

દોડતી વખતે નતાલીને ઘણી મુશ્કેલીઓ નડી હતી. ૩૫ ડિગ્રી સેલ્સિયસની ગરમીમાં ધખી રહેલા કૉન્ક્રીટના રોડ પર દોડવાથી તેનાં શૂઝ પણ પીગળી ગયાં હતાં. રેસ શરૂ કરી એના પહેલા જ દિવસે તેને હિપ જૉઇન્ટમાં ઇન્જરી થઈ હતી. આટલું ઓછું હોય એમ રેસના ત્રીજા દિવસે તેને યુરિનરી ટ્રૅક્ટ ઇન્ફેક્શન થઈ ગયું હતું. જોકે તેની સાથે બહુ સપોર્ટિવ ટીમ હતી જેણે તેની સેફ્ટીનું અને તે જ્યાં રોકાય ત્યાં રહેવાની વ્યવસ્થાનું સરસ આયોજન કર્યું હતું. 

singapore international news life masala guinness book of world records