કૅનેડાથી અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કરનારા છ ભારતીયોની ધરપકડ

07 May, 2022 09:11 AM IST  |  Washington | Agency

તેમની ઉંમર ૧૯થી ૨૧ વર્ષની છે

પ્રતીકાત્મક તસવીર

ભારતીયો દ્વારા અમેરિકામાં ઘૂસણખોરીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. અમેરિકન બૉર્ડર ઑથોરિટીએ ૧૯થી ૨૧ વર્ષની ઉંમરના છ ભારતીય નાગરિકોની ધરપકડ કરી છે. આ ભારતીયો કૅનેડાથી અમેરિકામાં જવાની કોશિશ કરી રહ્યા હતા. 
અમેરિકન કસ્ટમ્સ ઍન્ડ બૉર્ડર પ્રોટેક્શને ગુરુવારે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘સેન્ટ રેજિસ મોહોક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટ, એક્વેસ્ને મોહોક પોલીસ સર્વિસ અને હોગાન્સબર્ગ-એક્વેસ્ને વૉલન્ટિયર ફાયર ડિપાર્ટમેન્ટ તેમ જ મેસેના બૉર્ડર પેટ્રોલ સ્ટેશનના અમેરિકન બૉર્ડર પેટ્રોલ એજન્ટ્સે ગુરુવારે વહેલી સવારે સ્મગલિંગના નિષ્ફળ પ્રયાસના સંબંધમાં સાત લોકોની ધરપકડ કરી છે. જેમાં છ ભારતીયો છે, તેમની ઉંમર ૧૯થી ૨૧ વર્ષની છે. સાતમી વ્યક્તિ અમેરિકન નાગરિક છે. જેના પર સ્મગલિંગનો આરોપ મૂકવામાં આવ્યો છે. 
ગયા અઠવાડિયામાં એક્વેસ્ને મોહોક પોલીસ સર્વિસને શંકાસ્પદ અૅક્ટિવિટી વિશે જાણ કરવામાં આવી હતી. જેણે કૅનેડાથી અમેરિકા તરફ અનેક લોકોને લઈને આવી રહેલી બોટ વિશે સેન્ટ રેજિસ મોહોક ટ્રાઇબલ પોલીસ ડિપાર્ટમેન્ટને જાણ કરી હતી. 
નોંધપાત્ર છે કે આ વર્ષે જાન્યુઆરીમાં ચાર ગુજરાતીઓ-જગદીશ બલદેવભાઈ પટેલ, વૈશાલીબહેન પટેલ, વિહાંગી પટેલ અને ધાર્મિક પટેલ કૅનેડા અને અમેરિકાની બૉર્ડરથી લગભગ ૧૨ મીટરના અંતરે મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. આ પરિવાર કૅનેડાથી પગપાળા અમેરિકામાં જવાની કોશિશ કરી રહ્યો હતો.

international news united states of america