ટ્રમ્પના જુઠ્ઠાણાથી કોઈકે માત્ર ૨૦ મિનિટમાં ૮૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી

25 March, 2026 09:13 AM IST  |  United States Of America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં કોઈકે મિનિટોમાં ખેલ કરી લીધો, ઇનસાઇડર ટ્રેડિંગની શક્યતા

પ્રતીકાત્મક તસવીર

સોમવારે ડોનલ્ડ ટ્રમ્પે પોતાના સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશ્યલ પર પાંચ દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ‍્સમાં પર હુમલો ન કરવાની પોસ્ટ કરી, પણ ટ્રમ્પની આ પોસ્ટ જુઠ્ઠાણાથી ભરેલી હોવા છતાં અમેરિકામાં કોઈએ માત્ર ૨૦ મિનિટમાં ૮૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. આ ઇનસાઇડર ટ્રેડિંગનો મામલો છે. ટ્રમ્પની પોસ્ટ આવે એની ૧૫ મિનિટ પહેલાં એક રોકાણકારે સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સ (S&P) 500 ફ્યુચર્સ ખરીદ્યા હતા અને ઑઇલ ફ્યુચર્સ વેચી દીધા હતા. ૧૫ મિનિટ પછી જ્યારે ટ્રમ્પે ઈરાન યુદ્ધ અંગે અપડેટ પોસ્ટ કર્યું ત્યારે આ રોકાણકારે ૧૫ મિનિટમાં ૮૪૦ કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.

ટ્રમ્પના નિવેદન બાદ ઈરાને કહ્યું હતું કે એણે ટ્રમ્પ સાથે કોઈ યુદ્ધવિરામની ચર્ચા કરી નથી. ઈરાને સ્પષ્ટપણે કહ્યું કે ટ્રમ્પ જૂઠું બોલી રહ્યા છે, સત્ય અને અસત્યનો આ ખેલ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવી શકે નહીં; પરંતુ ટ્રમ્પની પોસ્ટથી કેટલાક રોકાણકારો ધનવાન બન્યા હતા.

અસામાન્ય ઇનસાઇડર ટ્રેડિંગ 

જેણે પણ આ સોદા કર્યા હતા તેણે બે દાવ લગાવ્યા હતા. પ્રથમ, તેણે આશરે ૧૨,૬૦૦ કરોડ રૂપિયાના S&P 500 ફ્યુચર્સ ખરીદ્યા હતા. શરત એ હતી કે જો તનાવ ઓછો થશે તો બજાર વધશે. બીજા દાવમાં રોકાણકારે આશરે ૧૬૧૫ કરોડ રૂપિયાના ઑઇલ ફ્યુચર્સ વેચ્યા હતા. તેણે અનુમાન લગાવ્યું હતું કે જો સપ્લાયની ચિંતા દૂર કરવામાં આવે તો ક્રૂડ ઑઇલના ભાવ ઘટશે. એક અહેવાલ મુજબ સોમવારે ન્યુ યૉર્ક સમય મુજબ સવારે ૬.૪૯ વાગ્યાથી ૬.૫૦ વાગ્યાની વચ્ચે બ્રેન્ટ અને વેસ્ટ ટેક્સસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ સાથે સંકળાયેલા આશરે ૬૨૦૦ ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટનું ટ્રેડિંગ થયું હતું. આ સોદાઓનું કુલ મૂલ્ય ૫૮૦ મિલ્યન ડૉલર હોવાનો અંદાજ છે. રિપોર્ટમાં જણાવાયું છે કે સોમવારના ટ્રેડિંગ માટે એક વ્યક્તિ કે બહુવિધ એન્ટિટી જવાબદાર હતી કે કેમ એ હજી પણ સ્પષ્ટ નથી.

international news world news donald trump united states of america iran israel share market stock market