ઇન્ડોનેશિયામાં ટિયરગૅસ અશ્રુ નહીં, ૧૭૪ જણ માટે મોત લાવ્યું

03 October, 2022 09:06 AM IST  |  Malang | Gujarati Mid-day Correspondent

ફુટબૉલ મૅચ બાદ પોલીસે તોફાનીઓને વિખેરવા માટે ટિયરગૅસ ફાયર કરતાં ભાગદોડ મચી જતાં અનેક લોકો કચડાઈને મૃત્યુ પામ્યા

મલંગમાં મોટી સંખ્યામાં ફૅન્સ પિચ પર ધસી આવતાં પોલીસે ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા અને લાઠીચાર્જ પણ કર્યો હતો.

ઇન્ડોનેશિયામાં શનિવારે એક ફુટબૉલ મૅચ બાદ હિંસા અને ભાગદોડમાં લગભગ ૧૭૪ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે તોફાનીઓને વિખેરવા માટે ટિયરગૅસ ફાયર કરતાં ભાગદોડ મચી જતાં અનેક લોકો કચડાઈને મૃત્યુ પામ્યા હતા. શનિવારે સાંજે સુરબાયાની પર્સેબાયા સામે પૂર્વ જાવાના મલંગ શહેરની હૉસ્ટ અરેમા એફસીની ૩-૨થી હાર થયા બાદ હિંસા વ્યાપી ગઈ હતી. જે દુનિયામાં સ્ટેડિયમમાં બનેલી સૌથી ભયાનક દુર્ઘટનાઓમાં સામેલ છે.  

અરેમાના હજારો સપોર્ટર્સ તેમની ટીમના પરાજયથી નિરાશ થઈ ગયા હતા. તેઓ ખેલાડીઓ અને મૅચના અધિકારીઓ પર બૉટલો અને અન્ય વસ્તુઓ ફેંકવા લાગ્યા હતા.

ફૅન્સ વિરોધમાં કંજુરુહાન સ્ટેડિયમની પિચ પર ધસી આવ્યા હતા અને અરેમાના મૅનેજમેન્ટ પાસેથી શા માટે આ મૅચમાં હાર થઈ એનો ખુલાસો માગવા લાગ્યા હતા. એક સાક્ષીએ કહ્યું હતું કે ઉશ્કેરાયેલા ફૅન્સના કારણે સ્થિતિ તનાવજનક થતાં પોલીસે ‘સતત અને ખૂબ જ ઝડપથી’ ટિયરગૅસના અનેક રાઉન્ડ ફાયર કર્યા હતા. 

ઇન્ડોનેશિયામાં ફુટબૉલ ખૂબ જ પૉપ્યુલર છે અને મૅચ દરમ્યાન જબરદસ્ત ઉત્તેજના છવાઈ જાય છે. જેના કારણે ફૅન્સની વચ્ચે અવારનવાર અથડામણ થાય છે. મલંગમાં સ્થિતિ સર્જાવાનું કારણ એ છે કે અહીં સ્ટેડિયમની ક્ષમતા કરતાં વધુ સંખ્યામાં ફૅન્સ એકત્ર થયા હતા અને પોલીસે ટિયરગૅસનો ઉપયોગ કરતાં ફૅન્સમાં ગભરાહટની લાગણી છવાઈ ગઈ હતી, જેના લીધે ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે સિચુએશનને કન્ટ્રોલ કરવા માટે ટિયરગૅસ ફાયર કર્યો હતો. જોકે એનાથી ગભરાયેલા ફૅન્સ એક્ઝિટ ગેટથી જવા માટે ધક્કામુક્કી કરવા લાગ્યા હતા. એક્ઝિટ ગેટ નજીક ચીસોનો અવાજ આવતો હતો. આ ધક્કામુક્કીમાં મહિલાઓ અને બાળકો પણ ફસાઈ ગયાં હતાં. 

પોલીસ વાહનને નુકસાન પહોંચાડી રહેલા તોફાનીઓ

સ્ટેડિયમની બહાર પણ તોફાન ફાટી નીકળ્યું હતું કે જ્યાં અંધાધૂંધી વચ્ચે પોલીસના ઓછામાં ઓછા પાંચ વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને એમને આગ લગાડાઈ હતી. જેના જવાબમાં પોલીસે ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા. જેના લીધે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. નોંધપાત્ર છે કે ફિફા દ્વારા સૉકર સ્ટેડિયમમાં ટિયરગૅસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

સેંકડો લોકો એક્ઝિટ તરફ દોડતાં અનેક લોકો ગૂંગળાઈ મર્યા હતા, જ્યારે અનેક કચડાયા હતા. આ અંધાધૂંધીમાં ૩૪ જણ સ્ટેડિયમમાં મૃત્યુ પામ્યા હતા. મૃતકોમાં કેટલાંક બાળકો અને બે પોલીસ ઑફિસર્સ પણ સામેલ છે. 

ઈસ્ટ જાવા પોલીસના વડા નિકો અ​ફિન્ટાએ કહ્યું હતું કે ‘ફૅન્સ પોલીસ પર હુમલો કરવા લાગ્યા, તોફાન કરવા લાગ્યા અને વાહનો બાળવા લાગ્યા એ પછી જ આખરે અમે ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા.’

૩૦૦થી વધુ લોકોને નજીકની હૉસ્પિટલોમાં લઈ જવાયા હતા, પરંતુ અનેક જણ રસ્તામાં જ્યારે કેટલાક સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. 

અત્યારે આઠ હૉસ્પિટલોમાં ૧૦૦થી વધુ લોકોની સારવાર ચાલી રહી છે, જેમાંથી અગિયાર જણની હાલત ખૂબ જ ગંભીર છે. સ્ટૅડિયમમાંથી કૅપ્ચર કરવામાં આવેલા વિડિયોઝમાં જોવા મળ્યું હતું કે રિઝલ્ટ જાહેર થતાં જ ફૅન્સ પિચ તરફ દોડવા લાગ્યા હતા અને એના જવાબમાં પોલીસે ટિયરગૅસના શેલ્સ છોડ્યા હતા.

મલંગમાં કંજુરુહાન  સ્ટેડિયમમાં એક તોફાની પ્રશંસકને કાબૂમાં કરી રહેલા સિક્યૉરિટી અધિકારીઓ

નિકો અફિન્ટાએ કહ્યું હતું કે ‘અરાજકતાની સ્થિતિ સર્જાઈ હતી. તમામ લોકો તોફાની નહોતા, માત્ર ત્રણ હજાર લોકો જ પિચ પર પ્રવેશ્યા હતા.’

શનિવારે સ્થાનિક સમય અનુસાર રાત્રે આઠ વાગ્યે અરેના એફસી અને પર્સેબાયા વચ્ચે મૅચ શરૂ થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે અથડામણને ટાળવાની કોશિશ તરીકે પર્સેબાયાના ફૅન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. અરેમા એફસી અને પર્સેબાયા લાંબા સમયથી કટ્ટર હરીફ છે. બે દશક કરતાં વધારે સમયથી પહેલી વખત પર્સેબાયા સામે અરેમાની હાર થઈ છે.

પ્રેસિડન્ટ જોકો વિડોડોએ જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી ઇન્ડોનેશિયાની ટૉપ લીગની તમામ મૅચ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

42,000
સ્ટેડિયમમાં આટલા દર્શકો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

international news indonesia