ટ્રમ્પની ૫૦ ટકા ટૅરિફને લીધે સુરતની સ્કૂલોમાંથી વિદ્યાર્થીઓ નીકળવા માંડ્યા

18 January, 2026 10:55 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

અધવચ્ચે સ્કૂલ છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં એકાએક વધારો થયો છે.

ડોનલ્ડ ટ્રમ્પ

ભારત પર અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે નાખેલી ૫૦ ટકા ટૅરિફને કારણે ગુજરાતના જીવાદોરી સમાન હીરાઉદ્યોગની ચમક ઝાંખી પડી છે અને એની માઠી અસર વિવિધ સ્કૂલોના ક્લાસરૂમો સુધી પહોંચી હોય એવું લાગે છે. અધવચ્ચે સ્કૂલ છોડનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં એકાએક વધારો થયો છે.

ટ્રમ્પની ટૅરિફને કારણે હીરાઉદ્યોગમાં નિકાસને માઠી અસર પડવાથી ભારતના ડાયમન્ડ સિટી સુરતને અસર થઈ છે. એક્સપોર્ટ ઘટી જતાં હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા આશરે ૭ લાખ નોકરિયાતોમાંથી ૫૦,૦૦૦ લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. હીરા ઘસવાનાં ૩૫૦૦ યુનિટોમાં ૭ લાખ લોકો કામ કરે છે અને એને સૌથી માઠી અસર પડી છે.

લોકસભામાં વિન્ટર સેશનમાં રજૂ કરવામાં આવેલા એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ૨૦૨૫-’૨૬માં ગુજરાતમાં ૨.૪૦ લાખ વિદ્યાર્થીઓએ સ્કૂલ અધવચ્ચે છોડી હતી. ૨૦૨૪-’૨૫માં આ આંકડો માત્ર ૫૪,૫૪૧ હતો. આમ ડ્રૉપઆઉટ દરમાં અધધધ એવો ૩૪૧ ટકાનો વધારો જોવા મળ્યો હતો. એકલા સુરત શહેરમાં સુધરાઈ સંચાલિત ૨૪ સ્કૂલોમાં ૬૦૦થી વધારે વિદ્યાર્થીઓએ સ્કૂલ અધવચ્ચે છોડી દીધી હતી. પ્રાઇવેટ અને સરકાર સંચાલિત સ્કૂલોમાં આ આંકડો આનાથી પણ વધારે હોઈ શકે છે.

હીરાઉદ્યોગમાં એક્સપોર્ટને અસર થતાં જે કારીગરો અગાઉ ત્રીસથી ૩૫,૦૦૦ રૂપિયા મહિને કમાતા હતા તેમનો પગાર ઘટીને વીસથી ૨૨,૦૦૦ રૂપિયા થઈ ગયો હતો. આના કારણે ઘરમાં અસર પડી હતી અને મોંઘી ફી ચૂકવવાને બદલે વાલીઓએ તેમનાં સંતાનોને મોંઘી સ્કૂલોમાંથી ઉપાડીને સરકારી સ્કૂલોમાં ઍડ્‍મિશન લીધાં હતાં. ઘણા કારીગરો ગામડે જતા રહ્યા હતા અને આથી સુરતમાં ડ્રૉપઆઉટ દર વધારે જોવા મળ્યો હતો.

international news world news tariff donald trump united states of america indian government