Zawahiri:બે પત્નીઓ, સાત બાળકો અને વ્યવસાયે એક સર્જન, કોણ છે આંતકી જવાહિરી? જાણો

02 August, 2022 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અમેરિકાના હુમલામાં ઓસામા બિન લાદેનના મોત બાદ જવાહિરીએ સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 2011માં તે અલ કાયદાનો નેતા બન્યો હતો.

અલ-કાયદાના વડા અયમાન અલ-જવાહિરી

અમેરિકાએ દાવો કર્યો છે કે તેમની સેનાએ આંતકી સંગઠન અલકાયદાના સરગના અયમાન અલ જવાહિરીને કાબુલમાં એક ડ્રોન હુમલામાં ઠાર મારવામાં આવ્યો છે. ઓસામા બિન લાદેન બાદ અમેરિકાનુ બીજું આ સૌથી મોટું ઓપરેશન હતું. 

અયમાન અલ જવાહિરીનો જન્મ 19 જૂન 1951ના રોજ એક સમૃદ્ધ ઇજિપ્તના પરિવારમાં થયો હતો. જવાહિરી વ્યવસાયે સર્જન હતો. 14 વર્ષની ઉંમરે તે મુસ્લિમ બ્રધરહુડનો સભ્ય બન્યો. જવાહિરીએ ઓસામા બિન લાદેન સાથે મળીને 11 સપ્ટેમ્બર, 2001ના રોજ અમેરિકા પર ભયાનક આતંકવાદી હુમલા (9/11)નું કાવતરું ઘડ્યું હતું. ચાલો જાણીએ કોણ હતો આ જવાહિરી?

ગીઝામાં જન્મેલા, બિન લાદેન પછી અલ કાયદાનો નેતા બન્યો

અયમાન અલ-જવાહિરીનો જન્મ 19 જૂન 1951ના રોજ ગીઝા, ઇજિપ્તમાં થયો હતો. જવાહરીએ ઈજિપ્તની કૈરો યુનિવર્સિટીમાંથી મેડિકલનો અભ્યાસ કર્યો હતો. તે ટોચના સર્જનમાંનો એક ગણાતો હતો. જવાહિરીના ઘરમાં ઘણા લોકો ડોક્ટર અને રિસર્ચ સ્કોલર છે. અરબી અને ફ્રેન્ચ બોલતા જવાહિરીએ 1978માં કૈરો યુનિવર્સિટીમાં ફિલોસોફીની વિદ્યાર્થીની અજા નોવારી સાથે લગ્ન કર્યા હતા. અજાનું 2001માં અવસાન થયું હતું. આ પછી તેણે ઉમૈમા હુસૈન સાથે બીજા લગ્ન કર્યા. જવાહિરીને સાત બાળકો છે. ફાતિમા, ઉમાયામા, નબીલા, ખાદીગા, મોહમ્મદ, આયેશા અને નવવર.

ઇસ્લામિક જેહાદની રચના કરી

જવાહિરીએ ઇજિપ્તની ઇસ્લામિક જેહાદની સ્થાપના કરી હતી. આ સંગઠને 1970ના દાયકામાં ઇજિપ્તમાં બિનસાંપ્રદાયિક શાસનનો વિરોધ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે ઇજિપ્તમાં ઇસ્લામિક સરકારની સ્થાપના થવી જોઇએ. 1981માં ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતની હત્યા બાદ જવાહિરીની ધરપકડ કરવામાં આવી હતી. ઇજિપ્તમાં ત્રણ વર્ષ જેલમાં વિતાવ્યા પછી તે સાઉદી અરેબિયા ભાગી ગયો અને દવા વિભાગમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.

ઓસામા બિન લાદેન સાથે મુલાકાત

અલ-જવાહિરી સાઉદી અરેબિયામાં અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને મળ્યો હતો. બંનેના વિચારો સરખા હતા. બંને વચ્ચે સારુ બનતું હતું. 2001 માં, અલ જવાહિરીએ ઇજિપ્તની ઇસ્લામિક જેહાદને અલ-કાયદા સાથે મર્જ કરી. આ પછી અલકાયદા દ્વારા આખી દુનિયામાં આતંક ફેલાવા લાગ્યો.

લાદેનના મોત બાદ અલ કાયદાની કમાન સંભાળી

અમેરિકાના હુમલામાં ઓસામા બિન લાદેનના મોત બાદ જવાહિરીએ સંગઠનનું નેતૃત્વ સંભાળ્યું હતું. 2011માં તે અલ કાયદાનો નેતા બન્યો હતો. વિશ્વભરમાં અનેક સ્થળોએ થયેલા આતંકવાદી હુમલા પાછળ તેનો હાથ હોવાનું માનવામાં આવે છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ 19 આતંકવાદીઓએ ચાર કોમર્શિયલ પ્લેન હાઇજેક કર્યા હતા. આ પૈકીના બે પ્લેન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર્સ સાથે અથડાઈ ગયા હતા. આ હુમલામાં 93 દેશોના 2,977 લોકો માર્યા ગયા હતા. આ હુમલો આતંકવાદી સંગઠન અલ કાયદા દ્વારા કરવામાં આવ્યો હતો. તેની યોજના ઓસામા બિન લાદેન અને અલ-ઝવાહરી દ્વારા કરવામાં આવી હતી.

ઘણા દેશોના દૂતાવાસની સામે હુમલો કર્યો

7 ઓગસ્ટ 1998ના રોજ, એક સાથે અનેક દેશોના દૂતાવાસોની બહાર બોમ્બ વિસ્ફોટ થયો. જેમાં 224 લોકોના મોત થયા હતા. જેમાં 12 અમેરિકનો સામેલ હતા અને 4,500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ પાછળ જવાહિરીનો હાથ હતો.

મે 2003 માં, સાઉદી અરેબિયાના રિયાધમાં એક સાથે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં નવ અમેરિકનો સહિત 23 લોકો માર્યા ગયા હતા. થોડા દિવસો પછી એક ટેપ બહાર પાડવામાં આવી, જેમાં જવાહિરીનો અવાજ દર્શાવવામાં આવ્યો હતો.

જવાહિરીનું ઠેકાણું લાંબા સમયથી રહસ્ય રહ્યું હતું. 2020 ના અંતથી અફવાઓ ફેલાઈ રહી હતી કે અલ-જવાહિરીનું આ રોગથી મૃત્યુ થયું છે. યુએન એનાલિટિકલ સપોર્ટ એન્ડ સેક્શન્સ મોનિટરિંગ ટીમના તાજેતરના અહેવાલમાં પુષ્ટિ કરવામાં આવી છે કે જવાહિરી અફઘાનિસ્તાનમાં રહેતો હતો અને મુક્તપણે વાતચીત કરતો હતો. 2021 માં, અલ કાયદાએ જવાહિરીના મૃત્યુના સમાચારને નકલી ગણાવતો એક વીડિયો બહાર પાડ્યો હતો.

ઓસામાની જેમ માર્યા ગયા
અલ-જવાહિરી 71 વર્ષનો થઈ ગયો હતો. અમેરિકાએ તેને પણ ઓસામા બિન લાદેનની જેમ ઠાર માર્યો છે. અફઘાનિસ્તાનના કાબુલમાં ડ્રોન હુમલામાં જવાહિરીનું મોત થયું હતું.

world news kabul united states of america osama bin laden