૩૯ ટકા ટૅરિફનો વિરોધ કરવા માટે સ્વિસ કંપનીએ ૩ અને ૯ના ઉલટાવેલા આંકડા સાથેની સ્પેશ્યલ ઘડિયાળ બહાર પાડી

14 September, 2025 11:51 AM IST  |  switzerland | Gujarati Mid-day Correspondent

સ્વિટ્ઝરલૅન્ડની વૉચમેકર બ્રૅન્ડની અનોખી સ્ટાઇલમાં સરકારને ચેતવણી

ઘડિયાળ

સ્વિસ ઘડિયાળ નિર્માતા સ્વૉચ અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા સ્વિટ્ઝરલૅન્ડ પર લાદવામાં આવેલી 39 ટકા ટૅરિફનો વિરોધ નોંધાવવા માટે એક સ્પેશ્યલ એડિશન વૉચ બહાર પાડી છે, જેમાં 3 અને 9 નંબરો ઉલટાવી નાખવામાં આવ્યા છે, જેથી ઘડિયાળ જોતાંવેંત સામે 39 દેખાય.

સ્વિટ્ઝરલૅન્ડ ઉચ્ચ કક્ષાની ઘડિયાળો અને અન્ય લક્ઝરી ચીજવસ્તુઓનું અગ્રણી ઉત્પાદક છે. ત્યાં અત્યારે ટ્રમ્પની ટૅરિફથી આઘાત અને નિરાશાનો માહોલ છે. ૧૩૯ સ્વિસ ફ્રૅન્ક (આશરે ૧૫,૫૦૦ રૂપિયા)ની કિંમતવાળી WHAT IF... TARIFFS? નામની આ ઘડિયાળ બુધવારે વેચાણ માટે બજારમાં મૂકવામાં આવી હતી અને એ ફક્ત સ્વિટ્ઝરલૅન્ડમાં જ ઉપલબ્ધ છે. કંપનીના શોરૂમ ઉપરાંત ઝ્યુરિક અને જિનીવાના ઍરપોર્ટ પરના સ્ટોર્સમાં પણ એ ઉપલબ્ધ છે.

કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ‘કંપનીએ આ પગલા દ્વારા સ્વિસ સરકારને જાગૃત થવાનો સંકેત આપ્યો હતો, જે અત્યાર સુધી ટૅરિફમાં ઘટાડો કરવામાં સફળ રહી નથી. આ ઘડિયાળો મર્યાદિત સમય માટે જ બનાવવામાં આવશે. અમેરિકા સ્વિટ્ઝરલૅન્ડ પરની ટૅરિફમાં ફેરફાર કરશે એ પછી કંપની આ ઘડિયાળનું વેચાણ બંધ કરી દેશે.’   

international news world news switzerland tariff donald trump united states of america