ટેસ્લાએ કૅલિફૉર્નિયામાં ૨૦૦ એમ્પ્લૉઈઝની હકાલપટ્ટી કરી

01 July, 2022 10:38 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

આ કર્મચારીઓ વાહનોના ઑટોપાઇલટ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમના ડેટાના ઍનલિસિસની કામગીરી કરતા હતા

ટેસ્લાના બૉસ ઇલૉન મસ્ક

ઇલેક્ટ્રિક વેહિકલ મૅન્યુફૅક્ચરર ટેસ્લાએ કૅલિફૉર્નિયાના શહેર સૅન મૅટિયોમાં એની ઑફિસને બંધ કરી છે, જેના લીધે ૨૦૦ કર્મચારીઓએ નોકરી ગુમાવી છે. અનેક અમેરિકન મીડિયા રિપોર્ટ્સમાં આ વાત જણાવાઈ છે. જોકે હજી સુધી ટેસ્લા તરફથી ઑફિશ્યલ કન્ફર્મેશન આપવામાં આવ્યું નથી.

આ કર્મચારીઓ વાહનોના ઑટોપાઇલટ ડ્રાઇવર અસિસ્ટન્સ સિસ્ટમના ડેટાના ઍનલિસિસની કામગીરી કરતા હતા, જેમાંથી મોટા ભાગના કલાકોના ધોરણે કામ કરતા હતા. સૅન મૅટિયો ઑફિસમાંથી ૮૧ કર્મચારીઓની નોકરી જાળવી રાખવામાં આવી છે. તેમની ન્યુ યૉર્કમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

નોંધપાત્ર છે કે ટેસ્લાના બૉસ ઇલૉન મસ્કે તાજેતરમાં જણાવ્યું હતું કે આગામી ત્રણ મહિનામાં આ કંપનીના ૧૦ ટકા ફુલ ટાઇમ કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવશે, પરંતુ કલાકોના ધોરણે કામ કરતા વર્કર્સની સંખ્યા વધશે. 

offbeat news international news elon musk