UAEથી ગુજરાત આવી રહેલા થાઇલૅન્ડના કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો

12 March, 2026 09:32 AM IST  |  Thailand | Gujarati Mid-day Correspondent

UAEથી ગુજરાત આવી રહેલા થાઇલૅન્ડના કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં હુમલો, ૨૦ ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા

કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં ગઈ કાલે સવારે ૪.૧૦ વાગ્યે બે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો

યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)થી ભારતમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઇલૅન્ડના કાર્ગો શિપ પર હોર્મુઝ સ્ટ્રેટમાં ગઈ કાલે સવારે ૪.૧૦ વાગ્યે બે મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો હતો. થાઈ કાર્ગો શિપ મયૂરી નારી ભારત તરફ આવી રહ્યું હતું. થાઈ નૌકાદળે ૨૦ ખલાસીઓને બચાવ્યા હતા, જ્યારે ૩ હજી પણ એમાં સવાર છે. થાઈ નૌકાદળે જણાવ્યું હતું કે હુમલાના કારણની તપાસ કરવામાં આવી રહી છે અને હજી સુધી કોઈએ જવાબદારી સ્વીકારી નથી.

આ સંદર્ભમાં મળતી જાણકારી મુજબ ખલીફા પોર્ટથી નીકળેલા આ શિપ મયૂરી નારીમાં કુલ ૨૩ લોકો સવાર હતા. થાઈ નૌકાદળે તાત્કાલિક સહાય પૂરી પાડીને ૨૦ ખલાસીઓને બચાવ્યા હતા, જ્યારે ૩ લોકો હજી પણ એમાં ફસાયેલા છે અને તેમની સ્થિતિની જાણકારી મળી નથી. હુમલા બાદ જહાજમાંથી કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો અને લાઇફબોટ પાણીમાં તરતી જોવા મળી હતી. 

થાઈ કંપની પ્રેશિયસ શિપિંગ કંપનીની માલિકીનું આ એક મોટું કાર્ગો જહાજ છે, જેનું ડેડ-વેઇટ ૩૦,૦૦૦ ટન છે. હુમલો થયો ત્યારે જહાજ ઓમાનના પાણીમાં હતું. થાઈ નેવીએ આંતરરાષ્ટ્રીય સહાયની મદદથી બચાવ-કામગીરી શરૂ કરી હતી. તેમણે તાત્કાલિક તમામ જરૂરી બચાવ અને સુરક્ષાનાં પગલાં શરૂ કર્યાં છે.

international news world news united states of america gujarat news united arab emirates middle east crisis thailand