ઝવાહિરીના ટાર્ગેટ પર અમેરિકનો રહ્યા

03 August, 2022 08:55 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૯૮માં કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસો પર સુસાઇડ બૉમ્બિંગ્સથી અમેરિકા પર હુમલાઓની શરૂઆત થઈ હતી. આ હુમલાઓમાં ૨૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને પાંચ હજારથી વધુને ઈજા થઈ હતી.

અલ-જવાહિરી

વૉશિંગ્ટનઃ અલ ઝવાહિરીના ટાર્ગેટ પર અમેરિકનો જ રહ્યા છે. ૧૯૯૮માં કેન્યા અને ટાન્ઝાનિયામાં અમેરિકન દૂતાવાસો પર સુસાઇડ બૉમ્બિંગ્સથી અમેરિકા પર હુમલાઓની શરૂઆત થઈ હતી. આ હુમલાઓમાં ૨૦૦થી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને પાંચ હજારથી વધુને ઈજા થઈ હતી. યમનમાં ઑક્ટોબર ૨૦૦૦માં અમેરિકન સૈનિકો પર ભીષણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૭ અમેરિકન સૈનિકોનાં મોત નીપજ્યાં હતાં. 
૧૧ સપ્ટેમ્બર, ૨૦૦૧ના થયેલા આતંકવાદી હુમલાનું કાવતરું ઘડવામાં મુખ્યત્વે ઝવાહિરી સામેલ હતો જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ અને પૅન્ટાગૉન પર હુમલાઓ થયા હતા. આ હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવ્યું હતું. 

ઝવાહિરી ૯/૧૧નું કાવતરું ઘડવામાં સંડોવાયેલો હતો. અમેરિકન ધરતી પર હુમલાઓના દોષિતોમાં તે સામેલ હતો જેમાં ૨૯૭૭ લોકોની હત્યા થઈ હતી. દશકોથી અમેરિકનો પરના હુમલાઓનો તે માસ્ટરમાઇન્ડ હતો. હવે ન્યાય થયો છે. આ આતંકવાદી લીડર હવે રહ્યો નથી. અમે વધુ એક વખત સ્પષ્ટ કર્યું છે કે ભલેને ગમે તેટલો સમય લાગે, ભલેને તમે ગમે ત્યાં છુપાઈ જાઓ; જો તમે અમારા લોકો માટે ખતરો હો તો અમેરિકા શોધીને તમારો ખાતમો બોલાવશે.
જો બાઇડન, અમેરિકન પ્રેસિડન્ટ

2.50 કરોડ ડૉલર
એટલે કે ૧૯૬.૬૩ કરોડ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું ઝવાહિરીની માહિતી આપનાર માટે અમેરિકાએ

ઝવાહિરી માટે પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે ખાસ ડીલ થઈ હતી?

વૉશિંગ્ટનઃ અલ-કાયદાના લીડર અલ ઝવાહિરીનો ખાતમો બોલાવાયો છે એ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચેની એક ડીલનું પરિણામ હોવાનું જણાવાયું છે. પાકિસ્તાનની આર્મીના ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ પાસેથી પાકિસ્તાનને ફન્ડ અપાવવાની અમેરિકાને વિનંતી કરી હતી. આ મદદના બદલામાં અમેરિકાને પાકિસ્તાનની આર્મી અને આઇએસઆઇએ કાબુલમાં રહેતા અલ ઝવાહિરીનું સરનામું આપ્યું હતું. આ સમગ્ર ડીલને લઈને અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે પણ સવાલો કર્યા છે.

હેલફાયરની ખાસિયત જાણો

ડ્રોન વડે હુમલો કરીને અલ ઝવાહિરીનો ખાતમો બોલાવવા અમેરિકાએ હેલફાયર આર૯એક્સ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ મિસાઇલની અંદરથી બ્લેડ્સ નીકળે છે જે ટાર્ગેટ પર સચોટ નિશાન લગાવે છે. 

world news osama bin laden united states of america afghanistan