01 April, 2025 06:54 AM IST | Myanmar | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે બૅન્ગકૉકમાં તૂટી પડેલા અન્ડર-કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં દબાઈ ગયેલા લોકોને રેસ્ક્યુ કરવાનું કામ કરી રહેલા સરકારી અધિકારીઓ.
મ્યાનમારમાં શુક્રવારે ૭.૭ની તીવ્રતાના ભૂકંપ સહિતના ૧૫ ભૂકંપે ભારે તબાહી સર્જી હતી. આ ભૂકંપથી ઉત્પન્ન થયેલી ઊર્જા ૩૦૦થી વધારે પરમાણુ બૉમ્બના વિસ્ફોટ બરાબર હતી. ભૂવૈજ્ઞાનિક જેસ ફીનિક્સે કહ્યું હતું કે આ પ્રકારના ભૂકંપથી નીકળતી તાકાત લગભગ ૩૩૪ પરમાણુ બૉમ્બ બરાબર હોય છે. ભૂકંપ બાદ આવનારા ઝટકા પણ ઘાતક હોઈ શકે છે જે અમુક મહિના સુધી રહી શકે છે, કારણ કે ભારતીય ટેક્નોનિક પ્લેટ મ્યાનમાર નીચે યુરેશિયન પ્લેટ સાથે અથડાતી રહે છે. આ તબાહી દેશના ગૃહયુદ્ધથી પણ ખરાબ હોઈ શકે છે.
શુક્રવારે આવેલા વિનાશકારી ભૂકંપમાં મરણાંક ગઈ કાલે વધીને ૧૭૦૦ ઉપર પહોંચ્યો હતો અને હજી ૩૦૦ લોકો ગુમ છે. આશરે ૩૪૦૦ લોકો ઘાયલ છે. વિનાશકારી ભૂકંપના બે દિવસ બાદ પણ ગઈ કાલે ૫.૧ના સ્કેલનો આફ્ટરશૉક અનુભવાયો હતો.
૩૦ માળના ટાવરના કાટમાળમાં ફસાયા છે પચાસ જણ
ભૂકંપમાં બૅન્ગકૉકમાં તૂટી પડેલા ૩૦ માળના ટાવરના કાટમાળમાં ૫૦ લોકો હજી ફસાયેલા છે અને ધરતીકંપના ૪૮ કલાક બાદ રોબો, હેવી મશીનરી અને બચાવકર્મીઓ દ્વારા ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. ટાવરના કાટમાળનો ઢગલો પણ ચાર માળના ટાવર જેટલો મોટો છે. પોલીસનું માનવું છે કે કાટમાળમાં ફસાયેલા લોકો જીવતા હોવાની શક્યતા ઘણી ઓછી છે. બૅન્ગકૉકના ટૂરિસ્ટ અટ્રૅક્શન મનાતા ચાટુ ચક માર્કેટમાં આશરે ૫૦૦થી ૬૦૦ મકાનોમાં હાલમાં તેઓ સલામત છે કે નહીં એ માટેનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે, કારણ કે ભૂકંપના કારણે એમાં ઘણી તિરાડો પડી છે.