04 December, 2025 08:55 AM IST | Europe | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
યુરોપે રશિયન ગૅસની આયાત પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂક્યો છે અને આ પગલાને ઊર્જા-સ્વતંત્રતા ગણાવી છે. ગઈ કાલે યુરોપિયન કમિશન (EC)ના નિર્ણય સાથે યુરોપની સૌથી મોટી ઊર્જા-નિર્ભરતાનો અંત આવ્યો છે. કમિશનનાં પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયને જાહેરાત કરી હતી કે યુરોપે ઔપચારિક રીતે રશિયન ઈંધણની આયાત બંધ કરવાનો નિર્ણય લીધો છે. યુરોપિયન યુનિયન (EU), યુરોપિયન સંસદ અને કાઉન્સિલ દ્વારા ગઈ કાલે થયેલા રાજકીય કરારના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુરોપિયન યુનિયન ૨૦૨૭ના અંત સુધીમાં આયાતને તબક્કાવાર બંધ કરવા સંમત થયું છે.
૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. લિક્વિફાઇડ નૅચરલ ગૅસ (LNG)ની આયાત ૨૦૨૬માં તબક્કાવાર બંધ કરવામાં આવશે અને ૨૦૨૭માં પાઇપલાઇન ગૅસની આયાત બંધ કરવામાં આવશે.