નેપાલમાં ૧૦ દિવસ બાદ જીવતી મળેલી મહિલાના પરિવારે આઠમા દિવસે જ પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરી દીધા હતા

07 September, 2026 12:00 PM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

નેપાલમાં ૧૦ દિવસ બાદ જીવતી મળેલી મહિલાના પરિવારે આઠમા દિવસે જ પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરી દીધા હતા

૧૦ દિવસ પછી જીવતાં મળેલાં ચંદ્રિકા શ્રેષ્ઠા.

નેપાલમાં ૨૬ ઑગસ્ટે આવેલા વિનાશક પૂરની ઘટનાના અગિયારમા દિવસે નુવાકોટના બેત્રાવતીમાં ૬૪ વર્ષની ચંદ્રિકા શ્રેષ્ઠા નામની મહિલાને ઇમર્જન્સી ટીમોએ શનિવારે જીવતી શોધી કાઢી હતી, પણ આ મહિલાના પરિવારે બીજી સપ્ટેમ્બરે જ તેના ગુમ થવાના આઠમા દિવસે પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરી દીધા હોવાની જાણકારી મળી છે. બેત્રાવતી બજારમાં કાદવ અને પૂરના કાટમાળથી ભરાઈ ગયેલા ચાર માળના બિલ્ડિંગના ઉપરના માળે ચંદ્રિકા ફસાઈ ગઈ હતી. આ પરિવારના લોકોએ તેને શોધવાની કોશિશ કરી હતી અને સતત ૭ દિવસ સુધી કોઈ ભાળ નહીં મળતાં આઠમા દિવસે ઘાસનું પૂતળું બનાવીને તેના પ્રતીકાત્મક અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. જોકે શનિવારે જ્યારે બેત્રાવતી બજારમાં કોઈ મહિલાને જીવતી કાઢવામાં આવી હોવાની જાણકારી મળી ત્યારે આ પરિવાર હૉસ્પિટલમાં પહોંચ્યો હતો અને ચંદ્રિકાને જીવતી જોઈને તેમને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહોતો, તેઓ માનવા તૈયાર નહોતા કે ચંદ્રિકા જીવંત છે.

નેપાલમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં ૧૩૪૪ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે પાંચ હજારથી વધુ લોકો ગુમ થયા છે. અત્યાર સુધીમાં ૧૩,૦૦૦ લોકોને બચાવી લેવામાં 
આવ્યા છે.

international news nepal world news