11 April, 2025 06:59 AM IST | London | Gujarati Mid-day Correspondent
૬ એકરમાં બનનારું મંદિર આવું હશે.
૧૫ એપ્રિલથી શરૂ થશે પંઢરપુરથી લંડન સુધીની શોભાયાત્રાનો ઐતિહાસિક પ્રવાસ : ૧૮,૦૦૦ કિલોમીટર લાંબી શોભાયાત્રા બાવીસ દેશમાંથી જમીન અને પાણીના માર્ગે ૭૦ દિવસે લંડન પહોંચશે
પંઢરપુરનું શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર દેશભરમાં વિખ્યાત છે. હવે આ સંત પરંપરાની ગાથા સાત સમુદ્ર પાર પહોંચશે. લંડનમાં ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે શ્રી વિઠ્ઠલ-રુક્મિણીનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. એ નિમિત્તે ૧૫ એપ્રિલથી પંઢરપુરથી લંડન સુધીની વિશ્વની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય શોભાયાત્રા શરૂ થઈ રહી છે. શ્રી વિઠ્ઠલ-રુમિક્ણીની પાદુકા સાથેની આ શોભાયાત્રાનો ઉદ્દેશ લંડનમાં નવું મંદિર બનાવવાનો જ નહીં; પંઢરપુરની શોભાયાત્રાની આત્મીયતા, ભક્તિ અને એકતાનો અનુભવ આખી દુનિયાને અપાવવાનો છે. પંઢરપુરથી શરૂ થઈને બાવીસ દેશમાંથી ૧૮,૦૦૦ કિલોમીટર લાંબી શોભાયાત્રા જમીન અને પાણીના માર્ગે ૭૦ દિવસે લંડન પહોંચશે.
જાણીતા શેફ વિષ્ણુ મનોહરે મંગળવારે નાગપુરમાં પ્રેસ-કૉન્ફરન્સ કરી હતી. એમાં તેમણે કહ્યું હતું કે વિશ્વમાં ભારતનાં અનેક મંદિરો છે, પણ હજી સુધી પંઢરપુરનાં શ્રી વિઠ્ઠલ-રુક્મિણીનું એક પણ મંદિર બનાવવામાં નથી આવ્યું. આથી લંડનના વિઠ્ઠલ મંદિર ટ્રસ્ટ દ્વારા ૧૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ભવ્યાતિભવ્ય મંદિર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભક્તિના પ્રતીક એવા શ્રી વિઠ્ઠલ-રુકિમણી મંદિરની ગાથા દુનિયા જાણે એ માટે પંઢરપુરથી લંડન સુધીની સૌપ્રથમ શોભાયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ શોભાયાત્રામાં એક વાહનમાં શ્રી વિઠ્ઠલ-રુકિમણીની પાદુકા હશે જેની વિવિધ સ્થળે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભારત, નેપાલ, ચીન, રશિયા સહિત યુરોપના વિવિધ દેશોમાંથી પસાર થઈને શોભાયાત્રા ૭૦ દિવસે લંડન પહોંચશે. આ શોભાયાત્રામાં પંઢરપુરના શ્રી વિઠ્ઠલ-રુક્મિણી મંદિર સમિતિનો સહયોગ મળ્યો છે અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, સંસદસભ્ય ઉદયનરાજે ભોસલે સહિત વારકરી સંપ્રદાયના પ્રમુખોએ શુભેચ્છા આપવાની સાથે જરૂરી સહયોગ કરવાનું આશ્વાસન આપ્યું છે. આ શોભાયાત્રામાં ઇંગ્લૅન્ડનાં ૪૮થી વધુ મરાઠી મંડળ તેમ જ અખાતના કેટલાક દેશ, જર્મની, આયરલૅન્ડ અને અમેરિકાના તામિલ, ગુજરાતી, કન્નડ અને તેલુગુ ભાવિકો પણ સહભાગી થશે.