✕

કૅપ્ટન સ્મિત મચ્છર પર હુમલો કરનારા flydubaiના ઓમાની કો-પાઇલટની ઓળખ જાહેર કરવામાં આવી

04 October, 2026 11:01 AM IST  |  Israel | Gujarati Mid-day Correspondent

હમામ અલ-હમ્મામી કટ્ટરપંથી વિચારધારા ધરાવતો હતો, તેને ઓમાન ઍરની ફ્લાઇટ-ટ્રેઇનિંગમાંથી હટાવવામાં આવ્યો હતો

હમામ અલ-હમ્મામી

flydubaiની ઇઝરાયલ જતી ફ્લાઇટમાં ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર હુમલો કરનારા ઓમાની કો-પાઇલટની ઓળખ જાહેર કરવામાં આવી છે. ૨૯ વર્ષના આ કો-પાઇલટનું નામ હમામ અલ-હમ્મામી છે. આ પાઇલટ વિશે કરવામાં આવેલી તપાસમાં તેના ભૂતકાળના રેકૉર્ડની અને તેના કથિત કટ્ટરપંથી વિચારોની જાણકારી બહાર આવી છે. તેને ઓમાન 
ઍરમાં ફ્લાઇટ-ટ્રેઇનિંગમાંથી પણ દૂર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને flydubaiમાં કામ મળ્યું હતું. 

કોણ છે હમામ અલ-હમ્મામી?
હમામ અલ-હમ્મામી ઓમાનનો નાગરિક છે. તેનો જન્મ યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં થયો હતો. તેના પિતા ઓમાની છે અને માતા સિરિયન છે. તેનું ભણતર ઇંગ્લૅન્ડમાં થયું હતું. તે વેકેશનમાં સિરિયા જતો હતો.

પહેલાં જ વિવાદિત
ઓમાનમાં નૅશનલ ઍરલાઇન ટ્રેઇનિંગ પ્રોગ્રામમાંથી પાઇલટ બન્યા બાદ તેણે ઓમાન ઍરમાં નોકરી શરૂ કરી હતી. જોકે તેની પાસેથી મળેલા કટ્ટરપંથી સાહિત્યને કારણે તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. તેને ટ્રેઇનિંગ પ્રોગ્રામમાંથી પણ બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને નૉન-ફ્લાઇંગ ડ્યુટીમાં મોકલી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૨૦૨૪માં તેને નોકરીમાંથી હટાવી દેવામાં આવ્યો હતો.

સિરિયા પહોંચ્યો
ઓમાનથી તે સિરિયા ગયો હતો અને કટ્ટરપંથી વિચારધારા અપનાવી હતી. એવું માનવામાં આવે છે કે તેણે અહીં થોડો સમય વિતાવ્યો હતો. ૮ મહિના પહેલાં તેણે flydubaiમાં નોકરી 
મેળવી હતી.

સામાનમાં શું મળ્યું?તેના સામાનમાંથી ઇઝરાયલવિરોધી સામગ્રી અને ફ્રી પૅલેસ્ટીનનાં પોસ્ટરો મળ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તેનો કટ્ટરપંથી વિચારધારા સાથે સંબંધ હોવાની જાણકારી મળી છે. તે હંમેશાં ઇઝરાયલના વિરોધમાં જ વાતો કરતો હતો. 

ઇઝરાયલની ફ્લાઇટમાં કેવી રીતે પહોંચ્યો?
flydubaiની ફ્લાઇટ દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહી હતી અને આ સંવેદનશીલ રૂટ પર હમામ અલ-હમ્મામીને કેવી રીતે મૂકવામાં આવ્યો હતો એની તપાસ થઈ રહી છે. ઇઝરાયલી તપાસ-એજન્સીઓ આ મુદ્દે તપાસ કરી છે. તેને હવે UAE મોકલી દેવામાં આવ્યો છે અને સુરક્ષા-એજન્સીઓ તેની તપાસ કરી રહી છે.


સ્ત્રી-પુરુષો સાથે કામ કરે એનો વિરોધ
હમ્મામીએ અગાઉની એક પોસ્ટમાં પુરુષો અને સ્ત્રીઓ સાથે કામ કરે એવા વાતાવરણ પર સવાલ ઉઠાવ્યો હતો. તેનું માનવું હતું કે આવાં કાર્યસ્થળો મહિલાઓ પર નકારાત્મક અસર કરી શકે છે.

લગ્ન પછી બુરખો પહેરે એવી પત્ની જોઈતી હતી
ફેબ્રુઆરી ૨૦૨૨ની પોસ્ટમાં હમ્મામીએ તેનાં લગ્ન ગોઠવવા માટે તેના પરિવારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેના મતે તેની મમ્મી એક એવી છોકરી શોધી રહી હતી જે બુરખો પહેરે અને લગ્ન પછી નોકરી છોડી દે. પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઘણા પરિવારો આ શરતો સ્વીકારવા તૈયાર થયા નહોતા. તેની મમ્મીએ પુત્ર પાઇલટ હોવાનું જાહેર કર્યા પછી કેટલાક લોકોએ તેમનું વલણ બદલ્યું હોવાના અહેવાલ છે.

જૂની પોસ્ટમાં કટ્ટરપંથી વિચારધારા બહાર આવી
હમામ અલ-હમ્મામીની જૂની સોશ્યલ મીડિયા પોસ્ટ્સ બહાર આવી રહી છે. આ પોસ્ટ્સ હમામ અલ-હમ્મામીના મહિલા, ધર્મ અને પુરુષ-સ્ત્રી સાથે કામ કરતાં હોય એવા વાતાવરણ વિશેના વિચારોની જાણકારી આપે છે. હમ્મામીની અગાઉ ડિલીટ કરવામાં આવેલી લગભગ ૩૦૦૦ પોસ્ટ્સની તપાસ કરવામાં આવી હતી, જેમાં ૨૦૨૧ અને ૨૦૨૨ની પોસ્ટનો પણ સમાવેશ થાય છે. આ પોસ્ટ્સ હમ્મામીના મહિલાઓ પ્રત્યેના અત્યંત રૂઢિચુસ્ત અને સ્ત્રીદ્વેષી વિચારો સૂચવે છે.

દુબઈના ક્રાઉન પ્રિન્સ સ્મિત મચ્છરને મળ્યા, લોકોનો જીવ બચાવવા બદલ તેની હિંમત અને નિષ્ઠાની પ્રશંસા કરી

દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મકતૂમે કૅપ્ટન સ્મિત મચ્છરની હૉસ્પિટલમાં જઈને મુલાકાત લીધી હતી અને લોકોનો જીવ બચાવવા બદલ તેની હિંમત તથા નિષ્ઠાની પ્રશંસા કરી હતી. તસવીરમાં પ્રિન્સ સ્મિત મચ્છરને માથે ચૂમતા દેખાય છે. સોશ્યલ મીડિયા પરની એક પોસ્ટમાં શેખ હમદાને લખ્યું હતું કે ‘અમારા અને દેશના નેતૃત્વ વતી તેઓ સંપૂર્ણ પ્રશંસાને પાત્ર છે. તેમણે હિંમત, જવાબદારી અને માનવજીવન પ્રત્યેની સંવેદનશીલતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમને ગર્વ છે કે તેઓ અમારી ટીમનો હિસ્સો છે અને તેઓ એ મૂલ્યોનું પ્રતિનિધિત્વ કરે છે જેના માટે UAE જાણીતું છે - કરુણા, શાંતિ અને જીવનને મહત્ત્વ આપતો દેશ.’

international news world news united arab emirates israel