ઈરાનમાં ફસાયા છે દસથી બાર હજાર ભારતીયો

16 January, 2026 10:44 AM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

તેમને સલામતીપૂર્વક કાઢવાના મિશનમાં વ્યક્તિદીઠ લગભગ એક લાખ રૂપિયાનો ખર્ચ થઈ શકે

ઈરાન ભણવા ગયેલા વિદ્યાર્થીઓના જમ્મુ-કાશ્મીરમાં રહેતા ચિંતિત પેરન્ટ્સ.

ઈરાન અને અમેરિકા વચ્ચે મામલો ગરમાયો છે ત્યારે ઈરાનમાં મોજૂદ ભારતીયોની સુરક્ષા જોખમમાં મુકાતાં બુધવારે જ ભારતીય દૂતાવાસે ભારતીયોને ઈરાનમાંથી નીકળી જવાની તાકીદ કરી હતી. એવામાં ઈરાનમાં કેટલા ભારતીયો ફસાયા હશે એનો અંદાજ લગાવાઈ રહ્યો છે, કેમ કે તેમને સળગતા પ્રદેશમાંથી બહાર કાઢવાનું સરકાર માટે ભારે ખર્ચાળ પણ હશે. ભારતીય દૂતાવાસે ભારતીય નાગરિકોને ઈરાનમાંથી ઉપલબ્ધ સાધનો અને કમર્શિયલ ફ્લાઇટ્સ દ્વારા ઝડપથી બહાર નીકળવાની સલાહ આપી હતી અને ભારતીય પાસપોર્ટ અને ઓળખપત્ર હંમેશાં સાથે રાખવાની સૂચના પણ આપી હતી. 

કેટલા ભારતીય?
સરકારી દૂતાવાસના આંકડા મુજબ ઈરાનમાં લગભગ દસથી બાર હજાર ભારતીય નાગરિકો રહે છે. એમાં મોટી સંખ્યા વિદ્યાર્થીઓની છે. ખાસ કરીને મેડિકલ અને ધાર્મિક અધ્યયન સાથે સંકળાયેલા સ્ટુડન્ટ્સ. આ ઉપરાંત નાના વેપારીઓ, ટેક્નિકલ પ્રોફેશનલ્સ અને કેટલાક પર્યટકો છે. સંકટના આ સમયમાં ભારતીયોને ત્યાંથી કાઢવાનું કામ આસાન નથી. ઇન્ટરનેટ બંધ હોવાથી સીમિત કમ્યુનિકેશન છે અને અનેક વિસ્તારોમાં અવરજવર પર પ્રતિબંધ છે. 

કેટલો ખર્ચ?
કમર્શિયલ ફ્લાઇટ્સની સંખ્યા ઘટી ગઈ છે ત્યારે સરકારે કાં તો ચાર્ટર્ડ ફ્લાઇટ્સ કરીને કાં પછી રાજકીય અનુમતિ લઈને વૈકલ્પિક રસ્તાઓ પર વિચાર કરવો પડશે. પાડોશી દેશનાં ઍરપોર્ટ યુઝ કરવાનો પણ એક વિકલ્પ બનશે. જો મોટી સંખ્યામાં ભારતીયોને ખાસ ફ્લાઇટ દ્વારા ભારત લાવવા પડે તો વ્ય‌ક્તિદીઠ સરેરાશ ૬૦,૦૦૦થી એક લાખ રૂપિયા જેટલો ખર્ચ થઈ શકે છે. એમાં ચાર્ટર વિમાન, સેફ્ટી અને લૉજિસ્ટિક્સ અને ઇમર્જન્સી હેલ્પની બાંયધરી સામેલ છે. એ હિસાબે લગભગ ૧૦૦ કરોડ રૂપિયા સુધી ખર્ચ પહોંચી શકે છે. 

ભારત સરકાર ઈરાનથી ભારતીયોને ઍરલિફ્ટ કરશે 
આજે તેહરાનથી પહેલી ફ્લાઇટ દિલ્હી આવશે ઃ સ્ટુડન્ટ્સનું રજિસ્ટ્રેશન પૂરું ઈરાનમાં ફસાયેલા ભારતીય સ્ટુડન્ટ્સને ઍરલિફ્ટ કરીને ભારત લાવવાની સરકારે તૈયારીઓ કરી લીધી છે. ગઈ કાલે જમ્મુ અને કાશ્મીર સ્ટુડન્ટ્સ અસોસિએશનના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘તમામ વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે. ભારતીય દૂતાવાસે તેમની પર્સનલ ડીટેલ અને પાસપોર્ટ એકઠાં કરી લીધાં છે. આજે સવારે ૮ વાગ્યે  તેહરાનથી દિલ્હી આવવા પહેલી ફ્લાઇટ રવાના થશે.’

international news world news iran indian government tehran