હોર્મુઝ સ્ટ્રેટમાંથી જ્યારે બે ભારતીય જહાજ પસાર થયાં ત્યારે તિરંગો લહેરાયો

30 March, 2026 12:32 PM IST  |  Iran | Gujarati Mid-day Correspondent

ભારતમાં LPGના સંકટમાં રાહતના સમાચાર, ૯૪,૦૦૦ ટન LPG સાથે એક જહાજ આવતી કાલે મુંબઈ અને બીજું પહેલી એપ્રિલે મૅન્ગલોર પહોંચશે

LPG ટેન્કર હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા હતા એ વખતે જહાજ પર વંદે માતરમના નારા લગાવી રહેલા નાવિકો.

ઈરાનમાં યુદ્ધ વચ્ચે ભારતનો ધ્વજ ધરાવતાં બે જહાજ હોર્મુઝ સ્ટ્રેટમાંથી ભારત આવવા નીકળી ગયાં છે. જ્યારે આ ભારતીય જહાજ હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી રહ્યા હતા ત્યારે શિપ પરનો માહોલ જોવાલાયક હતો. નાવિકોએ તિરંગો લહેરાવવાની સાથે ભારત માતાની જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા. ટૅન્કર જ્યારે પસાર થઈ રહ્યું હતું ત્યારે નજીકમાં જ ભારતીય નેવીના જહાજો પણ હાજર દેખાઈ રહ્યા છે.

લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG) કાર્ગો ધરાવતાં બે ભારતીય જહાજો BW TYR અને BW ELMમાં આશરે ૯૪,૦૦૦ ટન LPG છે. આ જહાજો હોર્મુઝ વિસ્તારમાંથી સુરક્ષિત રીતે પસાર થઈ ગયાં છે અને ભારતીય કિનારા તરફ આગળ વધી રહ્યાં છે. આ જહાજોમાંથી BW TYR ૩૧ માર્ચે મુંબઈ પહોંચશે, જ્યારે BW ELM પહેલી એપ્રિલે ન્યુ મૅન્ગલોર પહોંચશે.

આ પહેલાં ભારતીય ધ્વજ ધરાવતાં ૪ જહાજ ભારત આવી ગયાં છે. આ વિસ્તારમાં ભારતીય ઝંડો ધરાવતા હજી કુલ ૧૮ જહાજ ત્યાં મોજુદ છે. એની પર કુલ ૪૮૫ ભારતીય નાવિકો સવાર છે. 

international news world news hormuz strait iran israel middle east crisis