22 September, 2026 09:50 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અમેરિકા પહેલી ઑક્ટોબરથી ૩ વધારાની વીઝા-કૅટેગરી માટે ફરજિયાત સોશ્યલ મીડિયા સ્ક્રીનિંગને આવરી લેશે. નવા સ્ક્રીનિંગમાં I, TN અને TD વીઝા-અરજદારોનો સમાવેશ છે. વિદેશી મીડિયા પ્રતિનિધિઓ માટે I વીઝા હેઠળના અરજદારો, યુનાઇટેડ સ્ટેટ્સ-મેક્સિકો-કૅનેડા ઍગ્રીમેન્ટ (USMCA) પ્રોફેશનલો માટે TN વીઝા અને તેમના આશ્રિતો માટે TD વીઝા માટે ચકાસણી-પ્રક્રિયાના ભાગરૂપે તેમના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સને ઉપલબ્ધ કરાવવાની જરૂર પડશે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું છે કે આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને આ વીઝા-અરજદારોના સોશ્યલ મીડિયા પ્રોફાઇલ અને પોસ્ટની ઑનલાઇન સમીક્ષા કરવામાં આવશે.
I વીઝાનો ઉપયોગ વિદેશી મીડિયા પ્રતિનિધિઓ (જેમ કે પ્રેસ, રેડિયો, ફિલ્મ અને પ્રિન્ટ-ઉદ્યોગોમાં કામ કરતા લોકો) દ્વારા કરવામાં આવે છે, જેઓ તેમની મીડિયા-સંબંધિત કામગીરી માટે કામચલાઉ ધોરણે અમેરિકાની મુસાફરી કરી રહ્યા હોય. TN વીઝા એવા પાત્ર પ્રોફેશનલો માટે છે જેઓ કૅનેડા અથવા મેક્સિકોના નાગરિક છે અને USMCA હેઠળ નિર્ધારિત કાર્ય માટે અમેરિકામાં કામચલાઉ પ્રવેશ મેળવવા માગે છે. TD વીઝા TN વીઝાધારકોના પાર્ટનર અને અપરિણીત સગીર બાળકો માટે છે.
ભારતીય અરજદારો માટે I વીઝા-કૅટેગરી છે. પહેલી ઑક્ટોબરથી આ વીઝાના અરજદારોને તેમના તમામ સોશ્યલ મીડિયા પ્રોફાઇલ્સની પ્રાઇવસી સેટિંગ્સને પબ્લિક અથવા ઓપન રાખવાની સૂચના આપવામાં આવશે. અમેરિકાના વિદેશ વિભાગે એવું કહ્યું નથી કે આ નવા નિયમથી આ વીઝા માટેની મૂળભૂત પાત્રતાની શરતોમાં કોઈ ફેરફાર થાય છે. અરજદારો જે વીઝા-કૅટેગરી માટે અરજી કરી રહ્યા હોય એની શરતોનું પાલન કરવાનું ચાલુ રાખવું પડશે.