અમેરિકા H-1B વીઝા માટે ફી વધારશે, હવે ૯૮ લાખ રૂપિયા ચાર્જ કરશે

25 August, 2026 07:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ટ્રમ્પ સરકારનો નવો પ્રસ્તાવ વર્ષના અંત સુધીમાં અમલમાં મુકાઈ શકે, ભારતીયો એનાથી સૌથી વધુ પ્રભાવિત થશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના પ્રશાસને H-1B વીઝા માટે એક લાખ ડૉલરની ફી વસૂલ કરવાનું નક્કી કર્યું હતું. જોકે સોમવારે સરકારે નવો પ્રસ્તાવ જાહેર કર્યો હતો જે મુજબ હવે H-1B વીઝા પરના વિદેશી કર્મચારીઓએ પ્રતિ વીઝા ૧,૦૩,૨૬૫ ડૉલર (આશરે ૯૮ લાખ રૂપિયા)ની વધારાની ફી ચૂકવવી પડશે. H-1B નૉન-ઇમિગ્રન્ટ વીઝા છે જે અમેરિકન કંપનીઓને મર્યાદિત સમય માટે વિદેશથી હાઈ-સ્કિલ પ્રોફેશનલોને નોકરી પર રાખવાની મંજૂરી આપે છે.

પ્રસ્તાવિત નિયમ હવે ૩૦ દિવસના પબ્લિક કમેન્ટમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ ડિપાર્ટમેન્ટ ઑફ હોમલૅન્ડ સિક્યૉરિટી (DHS) વર્ષના અંત સુધીમાં એને અંતિમ સ્વરૂપ આપી શકે છે. નવા પ્રસ્તાવમાં DHSને ફી કાયમી બનાવવા માટે નિયમો બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આનો અર્થ એ છે કે સરકાર હવે એને કાયમ માટે કાયદામાં ફેરવવાનો પ્રયાસ કરી રહી છે.

આ ફી સાથે H-1B વીઝા મેળવવા પહેલાં કરતાં વધુ મોંઘા થઈ જશે. અગાઉ H-1B વીઝા મેળવવા માટેની ફી સામાન્ય રીતે લગભગ ૨૦૦૦થી ૫૦૦૦ ડૉલર (આશરે ૧.૯ લાખથી ૪.૭ લાખ રૂપિયા) હતી. આ નવો નિયમ વર્ષના અંત સુધીમાં લાગુ થઈ શકે છે. જો એનો અમલ થશે તો એની સીધી અસર ભારતીયો પર પડશે, કારણ કે એનો સૌથી વધુ ઉપયોગ ભારતીય ટેક પ્રોફેશનલ્સ કરે છે.
ગયા વર્ષે ટ્રમ્પે એક કામચલાઉ આદેશ દ્વારા આ ફી લાગુ કરી હતી. જોકે જૂનમાં એક ફેડરલ કોર્ટે એને ગેરકાયદે જાહેર કરી હતી અને અમેરિકન સરકારને ફી વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
બૉસ્ટનની એક અપેલેટ કોર્ટ હવે આ નિર્ણયની સમીક્ષા કરી રહી છે. વૉશિંગ્ટનની બીજી કોર્ટ એક મુખ્ય વ્યાપારી સંગઠન દ્વારા દાખલ કરાયેલી અરજી પર વિચાર કરી રહી છે.

international news world news donald trump united states of america washington